૨૦૧૭-૧૮ના કેલેન્ડરમાંથી દુલીપ ટ્રોફી ગાયબઃ રણજીથી શરૂ થશે ઘરેલુ સિઝન

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ૨૦૧૭-૧૮ની ઘરેલુ િસઝનમાં દુલીપ ટ્રોફીને સ્થાન આપ્યું નથી. ભારતની ઘરેલુ ક્રિકેટ સિઝન તા. ૬ ઓક્ટોબરથી રણજી ટ્રોફી સાથે શરૂ થશે. ગત સત્રમાં દુલીપ ટ્રોફી ડે-નાઇટ ફોર્મેટમાં પિન્ક બોલથી રમાઈ હતી. આ ટૂર્નામેન્ટને ભારતની ઘરેલુ સિઝનની મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માનવામાં આવે છે.

બીસીસીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર દુલીપ ટ્રોફી વાર્ષિક નહીં, પરંતુ દોઢ વર્ષના સમયગાળા પર આયોજિત કરાતી હતી. આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમ – ઇન્ડિયા રેડ, ઇન્ડિયા બ્લૂ અને ઇન્ડિયા ગ્રીન રમે છે. આ ટૂર્નામેન્ટ પિન્ક બોલથી ડે-નાઇટ ફોર્મેટમાં રમાશે, પરંતુ એનું આયોજન સિઝનની શરૂઆતમાં થયું હોત તો સારું થાત.

અધિકારીએ કહ્યું, ”જો તમને યાદ હોય તો ૨૦૧૬ના ટી-૨૦ વિશ્વકપ પહેલાં પણ અમે દુલીપ ટ્રોફીનું આયોજન નહોતું કર્યું, કારણ કે જ્યારે અમે ટી-૨૦ ટીમની પસંદગી કરવાના હોઈએ ત્યારે આ ટૂર્નામેન્ટનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ગત વર્ષે અમે એક સત્રમાં ૧૩ ટેસ્ટ મેચ રમ્યા, આથી દુલીપ ટ્રોફીથી શરૂઆત કરવી સારી રહેત. આ ટૂર્નામેન્ટ ૨૪ દિવસમાં પૂરી થાય છે. આ સ્થિતિમાં આવનારા લાંબા સત્ર અને બધાં મેદાનો વ્યસ્ત રહેવાને કારણે અમે દુલીપ ટ્રોફીને જૂન કે જુલાઈમાં યોજી શકીએ નહીં. અમારી પાસે ફક્ત સપ્ટેમ્બર મહિનો જ હતો.”

અંતમાં અધિકારીએ જણાવ્યું, ”આ વર્ષે અમે આંતરરાષ્ટ્રીય શ્રેણીથી શરૂઆત કરી રહ્યા છીએ, જે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ કારણે ટીમ ૧૦-૧૧ તારીખ સુધીમાં એકત્રિત થઈ જશે. આથી અમે આ સત્રમાં દુલીપ ટ્રોફીનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે અને આગામી સત્ર સુધી તેને ટાળી દેવામાં આવી છે.”

You might also like