ખોખરાબ્રિજના કારણે દક્ષિણી અંડરપાસના રિનોવેશનનું કામ વિલંબમાં મુકાઈ ગયું

અમદાવાદ: રેલવેતંત્ર દ્વારા ખોખરા રેલવે ઓવરબ્રિજના નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે. આના કારણે ટ્રાફિકની અવરજવર માટે બ્રિજને બંધ કરી દેવાયો છે. આ કામગીરી દોઢ વર્ષ સુધી ચાલશે, જોકે બ્રિજના નવીનીકરણના પ્રોજેક્ટથી સમગ્ર કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. આ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મણિનગરમાં જ આવેલા દક્ષિણી અંડરપાસના રિનોવેશનના પ્રોજેક્ટને હાલ પૂરતો મોકૂફ રખાયો છે.

તાજેતરમાં ભાજપના શાસકોએ સારંગપુર રેલવે ઓવરબ્રિજ દાયકાઓ જૂનો થયો હોઈ તેના રિપેરિંગને ધ્યાનમાં રાખીને તેને સમાંતર નવો રેલવે ઓવરબ્રિજ બનાવવાની વિચારણા હાથ ધરી છે. નવો બ્રિજ સારંગપુર સર્કલ સામેના જૂની રોઝી સિનેમા પાસેના રેલવે લાઈન પરથી બનાવાશે.

દરમિયાન રેલવે સત્તાવાળાઓએ હયાત ખોખરા રેલવે ઓવરબ્રિજને તોડીને રેલવે લાઈન પરના ૯૫ મીટરના ભાગને વધુ પહોળાે બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે, જ્યારે આ બ્રિજની બંને તરફના બસો મીટર લંબાઈનાે એપ્રોચ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર કરશે, જોકે આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ થતાં ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગશે.

પરંતુ ખોખરાબ્રિજના નવીનીકરણના પ્રોજેક્ટથી સમગ્ર કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ વિકરાળરૂપ ધારણ કર્યું છે, જોકે આ મામલે ભાજપના શાસકો એસટી તંત્ર સાથે પરામર્શ કરીને એસટી બસને એક્સપ્રેસ-વેથી ડાઈવર્ઝન આપવાની સૂચના આપવાના છે. આ ઉપરાંત નાથાલાલ ઝઘડાબ્રિજ પર તાકીદે રોડ ડિવાઈડર બનાવવા પર પણ શાસક પક્ષે ભાર મૂક્યો છે.

ખોખરા રેલવેબ્રિજના પ્રોજેક્ટ બાદ તંત્ર દ્વારા મણિનગરમાં આવેલા દક્ષિણી અંડરપાસના રિનોવેશનનો પ્રોજેકટ હાથ પર લેવાનો હતો, જોકે ખોખરાબ્રિજ પ્રોજેક્ટથી વકરેલી ટ્રાફિક સમસ્યાને જોતાં સત્તાવાળાઓ દ્વારા હવે ડહાપણભર્યો નિર્ણય લેવાયો છે. આમ તો અંડરપાસનું રિનોવેશન રેલવે તંત્ર કરવાનું હોય છે, પરંતુ મ્યુનિસિપલ તંત્ર આ પ્રોજેક્ટ હાથ પર લેવાનું છે.

દક્ષિણી અંડરપાસના રિનોવેશન માટે તંત્ર દ્વારા આશરે રૂ. ૨૫થી ૩પ લાખની જોગવાઈ કરાઇ છે. દક્ષિણી અંડરપાસનું ફ્લોરિંગ જર્જરિત થયું છે. તેના સળિયા નીકળી જવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. અંડરપાસની દીવાલની જાળીઓ પણ રિપેર કરવાની થઈ છે.

જોકે અંડરપાસના રિનોવેશનનું કામ પણ લાંબો સમય માગી લે તેવું છે, જે માટે અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડે તેમ છે, જોકે હવે સત્તાધીશો અંડરપાસના ફ્લોરિંગને ડામર લગાવીને વાહનચાલકો માટે સુરક્ષિત કરશે તેમજ જર્જરિત થયેલી જાળીઓ માટે પણ અન્ય ઉપાય કરશે. આ પ્રકારે દક્ષિણી અંડરપાસને ટ્રાફિકની અવરજવર માટે સલામત બનાવીને તંત્ર દ્વારા ખોખરા રેલવેબ્રિજનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું મોટા પાયે રિનોવેશન ન હાથ ધરાશે.

You might also like