બજરંગદળના કાર્યકરોથી ડરીને પોલીસે યુગલોને ગાર્ડનમાં જતાં અટકાવ્યાં

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: આજે વેલેન્ટાઈન ડેની ઉજવણીનો બજરંગ દળ અને વીએચપી કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવી શક્યતાના પગલે જ શહેર પોલીસે આજ સવારથી જ રિવરફ્રન્ટ સહિતના ગાર્ડનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને યુવક અને યુવતીઓને ગાર્ડનમાં જતાં અટકાવતાં લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો છે.

વેલેન્ટાઈન ડે પર દર વર્ષે કેટલાંક ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવે છે. વિરોધની આ પ્રથાને જાણે પોલીસ અને તંત્રએ પણ સ્વીકારી લીધી હોય એવાં દૃશ્ય હતાં. અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યાં. આજે વેલેન્ટાઇન ડે છે, સવારથી પ્રેમી યુગલો રિવરફ્રન્ટ પર એકબીજા સાથે સમય પસાર કરવા રિવરફ્રન્ટ ગાર્ડન પર આવ્યાં કે તુરત જ પોલીસે તેમને ગાર્ડનમાં જતાં રોક્યાં હતાં.

પોલીસે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેવાના બદલે જાણે બજરંગદળના કાર્યકરોની રક્ષા કરતી હોય તેમ ખુદે જ રિવરફ્રન્ટ સહિત બાગ-બગીચામાંથી સવારથી યુગલોને ભગાડ્યાં હતાં. પોલીસ પણ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેવાના બદલે જાણે મૂક તમાશો જોઈને બજરંગદળના કાર્યકરોને સાથ આપતી હોય તેમ ઉસ્માનપુરા ગાર્ડન ખાલી કરાવ્યો હતો. નાગરિકોની ભારે નારાજગીના મુદ્દે પોલીસને છેવટે રિવરફ્રન્ટ ગાર્ડન પાસેથી વેલેન્ટાઈન ડે ઉજવણીનો વિરોધ કરી રહેલા રપ જેટલા કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી.

છેલ્લાં ચાર વર્ષથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ગાર્ડનમાં બજરંગદળના કાર્યકર્તાઓ પહોંચી જાય છે અને પ્રેમીપંખીડાંઓ સાથે બોલાચાલી કરી. તેમને રિવરફ્રન્ટ પરથી ભગાડી દેતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. કાર્યકરો વેલેન્ટાઈન ડેનો વિરોધ કરતાં તેને પાશ્ચાત્ય સંસ્કૃતિ ગણાવે છે. આજે પણ બજરંગદળના કાર્યકરો રિવરફ્રન્ટ પર પહોંચી જતાં પોલીસે રપ કાર્યકરોની અટકાયત કરી હતી, જોકે પોલીસે પાણી પહેલાં જ પાળ બાંધી દીધી હતી. કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા તેમને મદદરૂપ થતી હોય તેમ પોલીસે પહેલાંથી જ ગાર્ડન ખાલી કરાવી રાખ્યો હતો.

બજરંગદળ દ્વારા શહેરના તમામ બગીચામાં જ્યાં યુવક-યુવતીઓ બેઠાં હશે તેમને ત્યાંથી ભગાડવામાં આવશે અને તેમને ભારતીય સંસ્કૃતિનું ભાન કરાવવામાં આવશે, જો હિંદુ યુવતી વિધર્મી યુવક સાથે ફરતી હશે તો તેના પિતાનો સંપર્ક કરવામાં આવશે તેવું એલાન કરાયું હતું.

શહેરના બગીચા ઉપર બજરંગદળના કાર્યકરો વોચ રાખશે તેવું અગાઉથી નક્કી હતું. જો ક્યાંય પણ ખરાબ હરકતો કરતાં જોવા મળશે તો તેમની સામે તો પગલાં ભરાશે તથા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના માટેનાં પગલાં ભરાશે અને પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરવામાં આવશે.

ગત વર્ષે પણ બજરંગદળના કેટલાક લોકોએ જાહેરમાં ગુંડાગીરી આચરીને કાયદો હાથમાં લીધો હતો. અચાનક ગાર્ડનમાં કે રિવરફ્રન્ટ પર બેસેલાં યુગલો પર લાઠીઓ વરસાવીને તેમને રિવરફ્રન્ટ પરથી ભગાડ્યા હતા. પ્રેમી યુગલો પણ બજરંગદળના કહેરથી બચવા માટે રિવરફ્રન્ટ પર નાસભાગ કરવા લાગ્યા હતા. આથી સાબરમતીના શાંત કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જો દેશભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહેલાં યુવક-યુવતીઓને દર વર્ષે ભારતીય સંસ્કૃ‌િતના નામ પર બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ ઉજવણીથી દૂર રહેવા માટે ફરમાન કરવામાં આવે છે, જેના પગલે યુવક યુવતીઓમાં આ દિવસની જાહેરમાં ઉજવણીને લઈ એક ભય રહેતો હોય છે, જેમાં અમદાવાદ શહેરમાં પણ આ બાબતે હંમેશાં કોઈ ને કોઈ વિવાદ ઊભો થતો હોય છે. ગત વર્ષે શહેરમાં કોલેજોની બહાર વેલેન્ટાઇન ડે પૂર્વે જ લવ જેહાદનાં પોસ્ટર જોવા મળ્યાં હતાં, જે ચર્ચાનો વિષય બન્યો હતો.

You might also like