દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઈટ મોડી પડીઃ અમુક ડાઇવર્ટ કરાઈ

નવી દિલ્હી: દિલ્હીમાં ભારે અને સતત વરસાદ બાદ હવામાન ખરાબ થતાં આજે દિલ્હીથી ઉપડતી અનેક ફલાઈટ મોડી પડી હતી. જ્યારે અમુક ફલાઈટને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદ અને પૂરના કારણે દિલ્હીના અનેક વિસ્તારમાં પાણી પાણી થઈ જતાં ગઈ કાલ રાતે ૧૧થી ૧૨-૩૦ દરમિયાન કેટલીક ફલાઈટને જયપુર, લખનૌ અને અમૃતસર તરફ ડાઇવર્ટ કરી દેવામાં ‍આવી હતી. ભારે વરસાદથી દિલ્હીનું મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન પહેલાં પાણી પાણી થઈ ગયું છે.

દરમિયાન યમુનાનું જળસ્તર હજુ પણ સતત વધી રહ્યું છે. આ વખતે દિલ્હીમાં જે સતત અને ભારે વરસાદ થયો છે તેના કારણે પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગઈ કાલે રાતે હથિનીકુંડમાંથી પાણી છોડવામા આ‍વતાં યમુનાનું જળસ્તર ૨૦૬.૦૫ મીટર પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારના રહીશોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આ‍વી છે.

દિલ્હીનું પિન્ક લાઈન મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન પહેલાં જ પાણીમાં જળબંબોળ થઈ ગયું હતું અને તેની નજીકની ફૂટપાથ પાણીમાં ડૂબી ગઈ હતી. દુર્ગાબાઈ દેશમુખ સાઉથ કેમ્પસ અને લાજપતનગરનું આ સ્ટેશન મુશળધાર વરસાદથી પાણીમાં તરી રહ્યું હતું.

દિલ્હીમાં અનેક સ્થળે વરસાદી પાણી ભરાતાં વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી. બીજી તરફ ઉત્તરાખંડમાં દહેરાદૂન નજીક ભારે વરસાદ અને પૂરના કારણે એક પુલ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેમાં કેટલાક લોકો મજબૂરીથી પુલ પરથી પસાર થવાનું જોખમ લઈ રહેલા નજરે પડી રહ્યા છે.

આ અંગે એક વીડિયો વાઈરલ થતાં તંત્રએ આ અંગે સાવચેતીનાં પગલાં લઈને લોકોને આ પુલ નજીક નહિ જવા સલાહ આપી છે. તેમ છતાં કેટલાક લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે.

You might also like