ડક્વર્થ-લૂઇસ ક્રિકેટ નથી રમ્યા, છતાં તેમની પરોક્ષ હાજરી ઇન્દોરમાં રહેશે

ઇન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે રમાનારી વન ડે મેચમાં વરસાદનું વિઘ્ન આવે તેવી શક્યતા છે. ઇન્દોરમાં અત્યાર સુધી ૧૩ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાઈ ચૂકી છે, પરંતુ પહેલી વાર કોઈ મેચનો નિર્ણય ડક્વર્થ-લૂઇસ પદ્ધતિથી લેવાય તેવી શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વરસાદગ્રસ્ત મેચોમાં ડક્વર્થ-લૂઇસ પદ્ધતિનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બ્રિટિશ આંકડાશાસ્ત્રી ડક્વર્થ અને ટોની લૂઇસનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી, તેઓ ક્યારેય ક્રિકેટ રમ્યા નથી, પરંતુ તેમણે બતાવેલી ફોર્મ્યુલા પર વિશ્વ ક્રિકેટ ચાલી રહ્યું છે. તેમની નિવૃત્તિ બાદ પ્રોફેસર સ્ટીવન સ્ટર્ન આ પદ્ધતિના કર્તાધર્તા બન્યા, પરંતુ તેમના નામથી હજુ દુનિયા અજાણ છે. તેમણે પણ આ પદ્ધતિમાં કેટલાક ફેરફાર કર્યા. વર્ષ ૨૦૧૪માં આ પદ્ધતિને ડક્વર્થ-લૂઇસ-સ્ટર્ન પદ્ધતિ (ડીએલએસ પદ્ધતિ) કહેવાવા લાગી.

ડક્વર્થ-લૂઇસ પદ્ધતિ મર્યાદિત ઓવર્સની આંતરરાષ્ટ્રીય મેચોમાં વરસાદ બાદ બીજી ઇનિંગ્સમાં રમનારી ટીમને નિર્ધારિત ઓવર્સમાં લક્ષ્યાંક આપવા માટે ઉપયોગમાં લેવાય છે, જે પહેલાં બેટિંગ કરનારી ટીમ દ્વારા વરસાદના વિઘ્ન પહેલાં અપાયેલા લક્ષ્યની સમાન મુશ્કેલ હોય છે. આ પહેલાં ઘણી પદ્ધતિઓને અજમાવવામાં આવી હતી, જેમાંથી સૌથી વધુ ઉપયોગ સરેરાશ રનરેટ અને સૌથી વધુ રન આપનારી ઓવર્સનો થતો.

આ બધી પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે ટીમોને પણ નુકસાન પણ થતું રહેતું. બાદમાં ડક્વર્થ-લૂઇસ પદ્ધતિને બધાએ વધુ સચોટ માનીને અપનાવી લીધી. આ પદ્ધતિનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર ઉપયોગ તા. ૧ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન ડે દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં ઝિમ્બાબ્વે સાત રનથી એ મેચ જીતી ગયું હતું. આઇસીસીએ ૧૯૯૯માં આ પદ્ધતિનો સત્તાવાર સ્વીકાર કર્યો હતો.

જોકે ઇન્દોરના ક્રિકેટ પ્રેમીઓ માટે થોડા સારા સમાચાર પણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે દરમિયાન હવામાન કેટલીક હદે સ્વચ્છ રહેશે, પરંતુ મેચ દરમિયાન વચ્ચે એક-બે વાર વરસાદ ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે ઓવર્સમાં કાપ મૂકવો પડી શકે છે.

છત્તીસગઢ અને આસપાસનાં ક્ષેત્રમાં ઓછા દબાણની સિસ્ટમ સર્જાવાને કારણે મધ્ય ભારતના મોટા ભાગનાં વિસ્તારો પર પાછલા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આવતી કાલની મેચ પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના ડિરેક્ટર ઇન્દ્ર‌િજત શર્માએ કહ્યું, ”આગામી ૨૪ કલાકમાં હવામાનમાં સુધારો થશે. મેચ ડે-નાઇટ હોવાના કારણે સાંજે હવામાન સ્વચ્છ રહે તેવી શક્યતા છે, જોકે મેચ દરમિયાન એક-બે વાર વરસાદનું વિઘ્ન નડી શકે છે.”

ઘરેલુ મેચમાં ભારતીય એન્જિનિયરની પદ્ધતિનો ઉપયોગ
ભારતીય ઘરેલુ વન ડે મેચોમાં ડક્વર્થ-લૂઇસ પદ્ધતિના સ્થાને વીજેડી એટલે કે વિજય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિને ત્રિચુર (કેરળ)ના સિવિલ એન્જિનિયર વી. જયદેવને તૈયાર કરી છે. વીજેડી પદ્ધતિ જૂની મેચોના આંકડા પર આધાર રાખે છે.

You might also like