દુબઈમાં ભારતીયોને જ નોકરી આપવા ખલફાનનો અનુરોધ

નવી દિલ્હી: દુબઈના જનરલ સિક્યો‌િરટીના પ્રમુખ ઢાહી ખલફાને ટિ્વટ કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાની નાગરિકો કરતાં ભારતીય નાગરિકો વધુ ભરોસાપાત્ર છે. તેથી દુબઈમાં હવે માત્ર ભારતીયોને જ નોકરી આપવી જોઈએ, કારણ પાકિસ્તાની નાગરિકોના કારણે દુબઈને ભવિષ્યમાં નુકસાન થઇ શકે તેમ છે.

ખલફાને વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિકો દુબઈમાં ડ્રગ્સ લઈને આવતા હોવાથી અખાતી દેશમાં ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. ખલફાનનું આ નિવેદન તેવા સમયે બહાર આવ્યું છે કે જ્યારે દુબઈ પોલીસે તાજેતરમાં ડ્રગ્સની હેરાફેરી કરતી પાકિસ્તાની ગેંગને પકડી હતી. તેમણે દુબઈની મોટા ભાગની કંપનીઓને સલાહ આપી છે કે પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ હોવા છતાં પાકિસ્તાની નાગરિકોને નોકરીમાં રાખવા ન જોઈએ.

તેમણે ભારતીયોની કામ પ્રત્યેની વફાદારી અને નિય‌િમતતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જે ભારતીયો દુબઈ આવે છે તેમાંથી મોટા ભાગના લોકો કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા નથી હોતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના નાગરિકો અખાતી દેશો માટે અને આ દેશમાં રહેતા લોકો માટે મોટા ખતરા સમાન સાબિત થઈ શકે તેમ છે. તેથી આવા નાગરિકોને દુબઈમાં કોઈ નોકરી આપવી ન જોઈએ.

દરમિયાન પાકિસ્તાની મીડિયાએ ખલકાનના આવા નિવેદનની ટીકા કરી છે, જેમાં ઉર્દૂ અખબાર રોજનામચાએ જણાવ્યું છે કે ખલફાન અવારનવાર ઉશ્કેરણીજનક નિવેદન અને ટિ્વટ કરીને વિવાદ ઊભો કરવામાં માહેર છે.

You might also like