જનતા દળ(યુ)ના સાંસદ અલી અનવરની પક્ષમાંથી હકાલપટ્ટી

નવી દિલ્હી: યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં ગઈ કાલે મળેલી ૧૬ પક્ષોની બેઠકમાં સામેલ થયેલા જેડીયુના સાંસદ અલી અનવરની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મુદ્દે જેડીયુના કે.સી. ત્યાગીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ જેડીયુના સાંસદ અલી અનવરને બેઠકમાં બોલાવી અમારા પક્ષને તોડવાનંુ કામ કર્યું છે. આવી પ્રવૃતિને જેડીયુ વખોડી કાઢે છે.

ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ બોલાવેલી વિપક્ષોની બેઠકમાં સામેલ થનારા અમારા સાંસદ અનવર અલીને અમે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. બીજી તરફ એવી માહિતી છે કે રાજ્યસભામાં જેડીયુના સંસદીય દળના નેતા પદ પરથી શરદ યાદવને આજે હટાવવામાં આવશે. તેમની જગ્યાએ જેડીયુના સંસદીય દળના નવા નેતા તરીકે આર.સી.પી. સિંહની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરદ યાદવ જ અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. અત્યાર સુધી તેઓ આરજેડીના મંચ પરથી તેમની પાર્ટીના કાર્યકરોને સંબોધતા હતા. પાર્ટી દ્વારા શરદ યાદવને ૧૯ ઓગસ્ટે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આવીને તેમની વાત રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

શરદ યાદવે જે કંઈ કહ્યું છે તે પાર્ટી માટે કર્યું છે અને તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી છે ત્યારે આગામી ૧૯મીએ મળનારી પાર્ટીની બેઠકમાં તેમના વિષે નિર્ણય લેવાશે.

You might also like