દિલ્હી-એનસીઆરમાં ઝરમરિયો વરસાદઃ અસહ્ય ગરમીથી રાહત

નવી દિલ્હી: દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારથી જ વિવિધ વિસ્તારમાં ઝરમરિયો વરસાદ થતા કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી છે. ગઈ કાલે પડેલી કાળઝાળ ગરમી બાદ આજે સવારથી જ હવામાનમાં એકાએક પલટો આવતાં દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હળવો વરસાદ થયો છે.

જોકે ગઈકાલે પણ દિલ્હીના કેટલાક વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા. પરંતુ બપોર બાદ આકરી ગરમી પડતાં લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા. પરંતુ આજે સવારથી જ પલટાયેલા હવામાન વચ્ચે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગની આગાહી છે કે આવતી કાલે પણ દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ દિવસભર વાદળો ઘેરાયેલાં રહેશે. બીજી તરફ યુપી અને બિહારમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારમાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવના છે. બિહારમાં પણ બપોર બાદ ઝડપી પવન સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી ઉપર દબાણ વધતા દક્ષિણ પશ્વિમ મોન્સૂન આગળ વધે તેવી શકયતા છે. તેમજ રાતે કદાચ દરિયામાં ચક્રવાતી તોફાન ઊભું થઈ શકે તેમ છે. આ ઉપરાંત કેરળમાં 30 કે 31 મે સુધીમાં વરસાદ થવાની સંભાવના છે. તેના કારણે દેશના અન્ય વિસ્તારમાં પણ આગામી સપ્તાહ બાદ મોન્સૂન સક્રિય થઈ જાય તેવી સંભાવના છે.

http://sambhaavnews.com/

You might also like