વ્રત અને તહેવારો પૂર્વે સુકા મેવાના ભાવમાં રૂ.50થી 100નો વધારો

અમદાવાદ: ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્રતનું મહત્વ હોવા ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો હોઇને મોટા પ્રમાણમાં સુકા મેવો વેપારીઓ ખરીદી રહ્યા છે ત્યારે તહેવારોને પણ મોંઘવારી નડશે.

સુકા મેવાના ભાવમાં અચાનક રૂ.પ૦થી ૧૦૦નો વધારો થઇ ચુક્યો છે જેના કારણે વ્રત અને તહેવાર મોંઘા થશે. આજથી ગૌરી વ્રત શરૂ થઇ રહ્યાં છે. ત્યાર બાદ દિવાસો જયા પાર્વતી વગેરે વ્રતમાં મીઠાનો ઉપયોગ ન થતો હોઇ ડ્રાયફૂટનો ઉપાડ વધારે રહે છે.

તેથી વહેવારોની સિઝનમાં સુકા મેવાનું સૌથી વધુ વેચાણ થાય છે. અત્યારે કાજુ, બદામ, અખરોટ, પિસ્તાં, ખારેક અને કિસમિસ, આલુ બુખારાના ભાવમાં ર૦ ટકા જેટલો ભાવ વધ્યા છે.  સરકારે સુકા મેવા પર ર૮ ટકાનો જીએસટીનો ઊંચો દર લગાવ્યો હતો ત્યારે ભાવ વધ્યા હતા. ત્યારબાદ જીએસટી ઘટી જતાં ફરી ભાવો કાબૂમાં આવ્યા હતા. પરંતુ ટ્રાન્સપોર્ટ ખર્ચના નામે ફરી ભાવ વધારો આવી ગયો છે.

વેપારીઓ સુકા મેવાના ભાવ વધારાની પાછળ ડીઝલના ભાવ વધારા અને ટ્રાન્સપોર્ટર્સને મુખ્ય કારણ ગણે છે. ટ્રાન્સપોર્ટરોએ માલ વહનના ભાવો વધારી દેતાં ભાવમાં રૂ.પ૦થી રૂ.૧૦૦ વધ્યા છે. તેથી વ્રત અને તહેવારોને પણ હવે મોંઘવારી નડશે. જુલાઇ ઓગસ્ટ અને દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ઉપાડ સુકા મેવાનો થાય છે. આ સંજોગોમાં રૂ.પ૦થી ૧૦૦નો ભાવ વધારો એટલે લોકોએ ૧૦થી ર૦ ટકા વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.

You might also like