VIDEO : પીધેલા તલાટીની દાદાગીરી પોલીસ પણ છાવરે છે

અમદાવાદ : દારૂબંધીનાં કડક અમલની વાત ત્યારે પોકળ સાબિત થઇ જ્યારે સરકારનો જ એક કર્મચારી તલાટી પીધેલી હાલતમાં ઝડપાયો હતો. આ તલાટીની દબંગાઇ કેમેરામાં પણ કેદ થઇ હતી. આ તલાટી બનાસકાંઠાના વાઘાસણ ગ્રામપંચાયતમાં નોકરી કરે છે. જેનું નામ નારણ પારઘી છે.

નારણ પારઘી પર ગામલોકોનો આરોપ છે કે તે રોજ દારૂ પીને જ નોકરી પર આવે છે. ધોળા દિવસે પણ દારૂ પીધેલી હાલકમાં લથડીયા ખાતો જોવા મળે છે. તલાટીને કેમેરામાં લથડીયા ખાતો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ તલાટીને નથી નોકરીની ચિંતા કે નથી પરિવારની ચિંતા. તલાટી એટલો તો બિન્દાસ્ત છે કે તેને પોલીસની પણ પરવા નથી.

જોકે, પોલીસ મથક અહીંથી 100 મીટરના જ અંતરે આવેલું છે. આટલુ અંતર હોવા છતા પણ આ શરાબી તલાટી તેમના ધ્યાને ન આવ્યો ન હોય તેવું માની શકાય નહી. આ તલાટી એટલો તો બિન્દાસ્ત છે કે કોઈની રજૂઆત સાંભળતો નથી. એટલું જ નહી તે દારૂ પીને આવતો હોવાથી જો મુડમાં હોય તો કામ કરે નહી તો લોકોને કામ નહી થાય તેવી ધમકી આપીને ભગાડી મુકે છે. ગામલોકોનાં કામ મહિનાઓથી અટવાયેલા પડયા છે. આ અંગે ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી હોવા છતા આજ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.

You might also like