ટેક્સ ડિફોલ્ટરોને ‘ઢોલ નગારાં’ વગાડીને જગાડવા વિચારણા

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉ સમાજમાં ખોટી રીતે આબરુદાર થઇને ફરતા પ્રોપર્ટી ટેકસના કરચોરોને સમાજમાં ખુલ્લા પાડવા રીતસરના ‘ઢોલ નગારાં’ વગાડીને તેમની કરચોરીની વિગત જાહેર કરાતી હતી. આ તો ઠીક તંત્ર કોઇની શેહશરમ રાખ્યા વગર કહેવાતા પ્રતિષ્ઠિત નાગરિકોની મિલકતને તાળાં મારતી હતી, પરંતુ છેક ગાંધીનગરથી દબાણ આવતાં હવે સત્તાવાળાઓ વિવશ બનીને કૂલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. આ પ્રકારની ગુપચુપ રીતે કરાતી સિલિંગ કર વસૂલાતમાં અસરકારક બનતી ન હોઇ હવે પુનઃ સત્તાધીશોએ ટેક્સ ડિફોલ્ટરોને ‘ઢોલ નગારાં’ વગાડીને જગાડવાની વિચારણા ગંભીરતાથી હાથ ધરી છે.

કોર્પોરેશનમાં આવકના મુખ્ય સ્રોત સમાન પ્રોપર્ટી ટેકસની આવક વધારવા માટે તંત્ર જાગૃત બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬માં ૩૧ માર્ચ, ર૦૧૬ સુધીમાં ટેકસની આવકનો અંદાજ રૂ.૮૧૦ કરોડનો હતો. જેમાં સત્તાધીશોએ રૂ.૮પ૦ કરોડનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આમ રૂ.૪૦ કરોડનો વધારો કર્યો છે.

જેના કારણે હવે ખુદ કમિશનર મેદાનમાં આવ્યા છે. ડી.થારાએ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરને દોડતા કરી દીધા છે. ડી.થારાએ જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરને પોતપોતાના ઝોનના ટોપ રપ ડિફોલ્ટરોની યાદી તૈયાર કરીને તે મુજબ તત્કાલ સિલિંગની કાર્યવાહી હાથ ધરવાની કડક તાકીદ કરતાં આ ઉચ્ચ અધિકારીઓને શિયાળામાં પરસેવો થવા લાગ્યો છે. બીજી તરફ પશ્ચિમ ઝોનના તત્કાલીન ડેપ્યુટી કમિશનર દેવેન્દ્ર મકવાણાની જેમ ડિફોલ્ટરોની મિલકતને ઢોલનગારા વગાડીને તાળાં મારવાની દિશામાં પણ તંત્રે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

મ્યુનિ. તિજોરીમાં આજ સુધીમાં રૂ.૪૮૧ કરોડ જમા થયા છે. એટલે કે રૂ.રપ૦ કરોડના નવા લક્ષ્યાંકને મેળવવા માટેનું દિલ્હી હજુ દૂર છે. પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.૧૪પ.૬૦ કરોડ નવા પશ્ચિમ ઝોનમાંથી, રૂ.૧૩૦.૮૩ કરોડ, મધ્ય ઝોનમાંથી રૂ.૭ર.૬૬ કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.૪૯.રર કરોડ, દ‌િક્ષણ ઝોનમાંથી રૂ.૪૪.૬૮ કરોડ અને ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછા રૂ.૩૭.પ૪ કરોડ મળ્યા છે. ગત તા.૧૭ ડિસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલનારી રિબેટ યોજના બાદ તંત્રને રૂ.૧૬૦૦ કરોડની આવક થઇ છે.

You might also like