2000 કરોડના ડ્રગ્સ રેકેટમાં ભાવસિંહ રાઠોડ, તેમના પરિવારની પૂછપરછ થશે

અમદાવાદ: દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલ 270 કરોડના એફિડ્રીન ડ્રગ્સના કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા બે હજાર કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી છે, કિશોરસિંહ હજુ ફરાર છે. જેમાં મહારાષ્ટ્રની થાણે ક્રાઇમ બ્રાંચે આરોપી કિશોરસિંહના પરિવારને પૂછપરછ માટે મહારાષ્ટ્ર બોલાવ્યા છે. આજે કિશોરના પિતા ભાવસિંહ રાઠોડ તેમની માતા વીજુબહેન રાઠોડ, પત્ની સોનલ અને બહેન નીરુની આજે મહારાષ્ટ્ર પોલીસ પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.

દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસી ખાતે રેડ કરી 270 કરોડની કિંમતનાે 1365 કિલો એફિડ્રીન ડ્રગ્સનો જથ્થો પોલીસ, એટીએસ તથા ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ ધારાસભ્યા ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોર રાઠોડની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. જેના પછી સામે આવ્યું હતું કે ગુજરાત પોલીસે ઝડપેલો ડ્રગ્સનો જથ્થો તો માત્ર સેમ્પલ હતું. એફિડ્રીનનો મોટો જથ્થો તો મહારાષ્ટ્રના સોલાપુરમાં છે. ગુજરાત પોલીસની બાતમીના આધારે જ મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસે રેડ કરી 18 હજાર કિલોથી વધારે બે હજાર કરોડ રૂપિયાનો એ‌િફડ્રીન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં કિશોરસિંહ રાઠોડ તથા અંડરવર્લ્ડ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીની સંડોવણી સામે આવી હતી. જેમાં મહારાષ્ટ્ર પોલીસે કિશોરસિંહ રાઠોડ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

એટીએસની ટીમે તથા મહારાષ્ટ્ર પોલીસે કિશોર રાઠોડની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસની ઠાણે ક્રાઇમ બ્રાંચે કિશોરસિંહના પરિવારજનોની પૂછપરછ કરવા માટે આઇપીસી 160 મુજબ સમન્સ ઇસ્યુ કર્યું છે. આજે કિશોરસિંહના પરિવારની ક્રાઇમ બ્રાંચમાં પૂછપરછ કરવામાં આવશે.

You might also like