ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતની ફીમાં એકાદ મહિનામાં વધારો ઝીંકાશે

અમદાવાદ: ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા ઈચ્છતા વાહનચાલક કે માલિકે ૫૦૦ ટકાથી વધુ ભાવ વધારો ચૂકવવાની હવે તૈયારી રાખવી પડશે. રાજ્યની તમામ આરટીઓમાં તેનો અમલ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. કાચા લાઇસન્સ માટે રૂ.૩૦ના રૂ.૧૫૦ ચૂકવવા પડશે અને પાકા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે રૂ.૫૦ના રૂ.૩૦૦ અરજદારે ચૂકવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સેન્ટ્રલ મોટર વિહિકલ એક્ટમાં જુદા જુદા પ્રકારની ફીના માળખામાં ફેરફાર કરાયા બાદ હવે રાજ્ય સરકાર પણ માત્ર ડ્રાઈવિંગ લાઇસન્સ જ નહીં, અન્ય સેવાઓમાં વધારો લાવી રહી છે.

આ અંગે રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નોટિફિકેશનના આધારે રાજ્ય સરકાર યોગ્ય સુધારા કરીને નવું નોટિફિકેશન બહાર પાડશે. આ અંગે પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે, જેના અમલ માટે મહિના જેટલો સમય લાગી શકે છે.

હવેથી ટૂંક સમયમાં જ કાચા અને પાકા લાઇસન્સની ફી, કમ્પ્યૂટરની ફી, ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યુઅલ ફી, ડ્રાઈવિંગ ટેસ્ટની ફી અને નવી ટ્રેનિંગ સ્કૂલ ખોલવી હોય તો તેની પણ ફીમાં ધરખમ ૫૦૦ ટકાથી વધુ ભાવ વધારો થશે. કેન્દ્રીય મોટર વિહિકલ એક્ટમાં ડિસેમ્બર માસના અંતમાં જુદા જુદા પ્રકારની ફીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પડાયું છે.

હાલમાં રાજ્યમાં સેન્ટ્રલ મોટર વિહિકલ એક્ટ અમલી છે એટલે કેન્દ્રના ફેરફાર પ્રમાણે રાજ્ય સરકારે પણ ફેરફાર કરવો પડશે, પહેલાં કાચા લાઇસન્સની ફી રૂ.૩૦ અને પાકા લાયસન્સની ફી રૂ. ૫૦ હતી, જે વધારીને હવે રૂ.૨૦૦ અને ૩૦૦ કરી દેવાતાં ૫૦૦ ટકાથી વધુનો ભાવ વધારો વાહનચાલક ચૂકવશે અને આરટીઓની તિજોરી છલકાશે, એટલું જ નહીં ડ્રાઈવિંગ ટેસ્ટમાં અરજદાર જો નાપાસ થશે તો બીજી ટેસ્ટ આપવા માટે રૂ.૫૦ ચૂકવવા પડતા હતા તે હવે સીધા વધીને રૂ.૩૦૦ ચૂકવવા પડશે.
driving-lic-1

 

 

http://sambhaavnews.com/

You might also like