નવસારી અકસ્માત બાદ હવે ડ્રાઇવરોને તાલીમ પુરી પડાશે

ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં નવસારી નજીક તાજેતરમાં જ ગમખ્વાર અકસ્માત થયા બાદ તેની અસર પણ હવે એસટી ડિવિઝન ઉપર દેખાઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આવા અકસ્માતોને ટાળવા માટે હવે ભરુચ ડિવિઝન દ્વારા ૬૫૦ ડ્રાઇવરોને બ્રિજ પર બસ ચલાવવાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. નવસારીમાં થયેલા અકસ્માતમાં એસટી બસ પૂર્ણા નદીમાં ખાબકી જતાં ૪૨ લોકોના મોત થયા હતા. ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ વિભાગ દ્વારા સલામત સવારી, એસટી હમારીનું સુત્ર આપવામાં આવ્યું છે.

નવસારીથી ઉકાઈ જતી એસટી બસ સામેથી આવતી એક મોટર સાઈકલને બચાવવા જતાં રેલિંગ તોડી પૂર્ણા નદીમાં ખાબકી હતી. જેમાં ૪૦થી વધુ મુસાફરો મોતને ભેટ્યા છે. નવસારીમાં બનેલી ગમખ્વાર ઘટના બાદ ભરૂચ એસટી વિભાગે તકેદારીના પગલા રૂપે ડ્રાઈવરોને ખાસ તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.

આ તાલીમમાં ભરૂચ, અંક્લેશ્વર, જંબુસર, ઝઘડિયા, અને રાજપીપળા ડેપોમાં ફરજ બજાવતાં ૬૫૦થી વધુ ડ્રાઈવરોને બ્રીજ તેમજ ઉબડખાબડ રસ્તાઓ ઉપર બસ કઈ રીતે ચલાવવી તેની ખાસ તાલીમ આપવામાં આવશે. જેનાથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય. આગામી દિવસોમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવે તેમ માનવામાં આવે છે. નર્મદા જિલ્લાના રસ્તાઓ ભયજનક હોવાનું જાણવા મળ્યું છે.

You might also like