ડ્રાઈવરને ઝોકું આવતાં બસ રેલિંગમાં ઘૂસી ગઇ

અમદાવાદ: શહેરના શિવરંજની બ્રિજ નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જીવરાજ પાર્ક તરફથી શિવરંજની બ્રિજ પરથી કેશવબાગ જતી એક ખાનગી બસના ચાલકને ઝોકું આવી જતાં બસ બીઆરટીએસની રેલિંગમાં ઘૂસી ગઇ હતી. જોકે આ અકસ્માતમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કોઇ જાનહાનિ થઇ નહોતી. અકસ્માત બાદ બસચાલક ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાન પાસિંગની ગજરાજ ટ્રાવેલ્સની બસ આજે વહેલી સવારે જીવરાજ પાર્ક તરફથી શિવરંજની બ્રિજ ઉપરથી ૧૩ર ફૂટ રિંગ રોડ તરફ જઇ રહી હતી. દરમિયાન શિવરંજની બ્રિજ ઊતરતાં ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં બસ પરથી તેણે કાબૂ ગુમાવી દીધો હતો.

બસ બીઆરટીએસની રેલિંગ તોડી તેમજ થાંભલાને ટકરાઇને ડિવાઇડર પર ચઢી ગઇ હતી. અકસ્માત બનતાં બસમાં બેઠેલા તમામ પેસેન્જરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં કોઇ પણ વ્યકિતને ઇજા પહોંચી નહોતી. બસને નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની સેટેલાઇટ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like