કાર ધીમે ચલાવવાનું કહેતાં કોન્સ્ટેબલને છરી મારી દીધી!

અમદાવાદ: પ્રજાની સુરક્ષા કરતી શહેર પોલીસ પણ હવે સુર‌િક્ષત નથી રહી. ગઇ કાલે મોડી રાત્રે ૧ર-૦૦ વાગ્યાની આસપાસ રબારી કોલોની પાસે કારચાલકે સામાન્ય બાબતે પોલીસકર્મી પર છરી વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. રામોલ પોલીસે પોલીસકર્મી પર હુમલો કરનાર કારચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વસ્ત્રાલ નિરાંત સર્કલ પર આવેલા રાજધાની ટેનામેન્ટમાં રહેતા જયપાલસિંહ બહાદુરસિંહ ઝાલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે મોડી રાત્રે જયપાલસિંહ તેમનું બાઇક લઇને અમરાઇવાડી રબારી કોલોની તરફથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રબારી કોલોનીથી પુરઝડપે પસાર થઇ રહેલા કારચાલક યુવકને સીધી રીતે અને ધીમે કાર ચલાવવાનું કહ્યું હતું.
કારચાલક યુવક જયપાલસિંહ પર ઉશ્કેરાઇ ગયો હતો અને કારમાંથી છરી કાઢીને જયપાલસિંહના હાથ પર મારી દઇને કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત જયપાલસિંહને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જયપાલસિંહે રામોલ પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો હતો. રામોલ પોલીસે ફરિયાદના આધારે કારચાલકની કાર રબારી કોલોની પાસેથી કબજે કરી છે. આ કાર કોની છે અને કયા કારણસર પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ પર યુવકે હુમલો કર્યો છે તે શોધવા માટે પોલીસ તપાસ શરૂ કરી છે.
બે દિવસ અગાઉ રાત્રે લોકોએ પોલીસની પીસીઆર વાન પર અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના શમી નથી ત્યાં સોલા-હેબતપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર કારચાલકને કાર પાછી લેવાનું કહેતાં કારચાલક તેમજ અન્ય કારના ચાલકે બે ટ્રાફિક પોલીસકર્મીઓને ‘તું મને ઓળખતો નથી, હું કોણ છું?’ કહી ઢોર માર મારી શર્ટ ફાડી નાખ્યો હતો. આ અંગે ટ્રાફિક પોલીસકર્મીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી એક કારચાલકની ધરપકડ કરી છે.પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મણિનગર પોલીસ લાઇનમાં રહેતા અને સોલા ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનુભાઇ ચૌધરી ગઇ કાલે રાત્રે સોલા-હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ પર હતા ત્યારે એક કારચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતાં તેમણે કારચાલકને રોક્યો હતો અને કારને પાછળ લેવા જણાવ્યું હતું, પરંતુ કારચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી કરી હતી. દરમ્યાનમાં અન્ય એક કારચાલક એક વ્યક્તિ સાથે ત્યાં આવી ચડ્યો હતો અને ‘તું મને ઓળખતો નથી, હું કોણ છું?’ તેમ કહી મનુભાઇને બોલાચાલી, ઝપાઝપી કરી માર માર્યો હતો. આ ઘટના બનતાં લોકો ભેગા થઇ ગયા હતા અને કારમાં આવેલા બે શખસો કાર લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે મનુભાઇએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રતીક મુુકેશભાઇ પટેલ (રહે. નીલકંઠ સોસાયટી, વિભાગ-૩, શાહીબાગ) અને અજાણ્યા કારચાલક તેમજ એક વ્યક્તિ સામે ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે પ્રતીક પટેલની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ શરૂ કરી છે.

You might also like