ડ્રાઈવરને હાર્ટઅેટેક અાવતાં અેમ્બ્યુલન્સ પુલ પરથી ખાબકી

અમદાવાદ: અમદાવાદથી મૃતક અને તેના પરિવારજનોને લઇ જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને બાવળાના રામનગર પાટિયા પાસે અચાનક હાર્ટએટેક આવતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સ પૂલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત બેનાં ઘટનાસ્થળે મોત નીપજયાં છે જ્યારે છ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

મૂળ ચોટીલાનાં હરણ્ય ગામનો એક પરિવાર તેમના સગાંનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતાં ક્વોલિસ એમ્બ્યુલન્સ ભાડે કરી મૃતકની લાશ લઇને રાજકોટ આજે વહેલી સવારે નીકળ્યા હતા.

એમ્બ્યુલન્સ બાવળાના રામનગર પાટિયા નજીક પહોંચી ત્યારે અચાનક કારના ડ્રાઇવરને હાર્ટએટેક આવ્યો હતો. જેના કારણે ડ્રાઇવર એમ્બ્યુલન્સ પર કાબૂ ન રાખી શકતા નાના એવા પુલ પરથી એમ્બ્યુલન્સ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત બનતાં લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી.

બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકમાં એક મહિલા ચોટીલાના હરણ્ય ગામની અને અન્ય અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like