એટીએમ કેશવાનનો ડ્રાઈવર રૂ. ૧.૩૮ કરોડ લઈ ફરાર

અમદાવાદ: શહેરનાં નરોડા વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશિપ કેનાલ પાસે ગઇકાલે સાંજે સીએમએસી કંપનીનો એટીએમ કેશવાનનો ડ્રાઈવર રૂ. ૧.૩૮ કરોડ લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આઈસીઆઈસીઆઈ બેંકનાં કર્મચારીઓ એટીએમમાં પૈસા ભરવા ગયાં ત્યારે વાનનાં ડ્રાઈવરે રૂ. ૧.૩૮ કરોડની બેગ લઈ અન્ય એક વ્હાઈટ કારમાં બેસી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ પોલીસને કરાતાં ક્રાઈમબ્રાંચ, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. રાજયભરની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરી દેવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે સીએમએસ કંપનીનો ડ્રાઈવર રવિ ચૌધરી (રહે. અમરાઈવાડી) કારમાં એક ગનમેન અને અન્ય બે વ્યક્તિ સાથે નરોડા પાર્શ્વનાથ ટાઉનશિપ પાસે આઈસીઆઈસીઆઈ બેંકનાં એટીએમ સેન્ટર ખાતે ગયાં હતાં. ગનમેન અને અન્ય બે વ્યક્તિઓ એટીએમ સેન્ટરમાં પૈસા ભરવા ગયાં ત્યારે વાનનો ડ્રાઈવર રૂ. ૧.૩૮ કરોડ ભરેલી બેગ લઈ અન્ય એક સફેદ કારમાં ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ પોલીસને થતાં કૃષ્ણનગર પોલીસ, ક્રાઈમબ્રાંચ, એસઓજી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અન શહેરમાં નાકાબંધી કરી દેવાઈ હતી. ઘટના અંગે સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરાતાં રાજયભરમાં નાકાબંધી કરાઈ છે ૧ કરોડથી વધુ રૂપિયાની લૂંટ થતાં શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ડ્રાઈવરનાં મોબાઈલને ટ્રેસ કરતાં છેલ્લુ લોકેશન બાપુનગર મળ્યું હતું. જે કારમાં આરોપી ફરાર થયો હતો તે કાર પોલીસને રુદ્રાન જવેલર્સ પાસેથી બિનવારસી મળી આવી હતી.

You might also like