પ્રત્યુષાને ડ્રગ્સ અને ડ્રિંકની લત લાગી ગઈ હતીઃ રાહુલ રાજસિંહ

મુંબઈ: ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજીની આત્મહત્યા બાદ રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહે તાજેતરમાં એવો પર્દાફાશ કર્યો છે કે પ્રત્યુષાને ડ્રગ્સ અને આલ્કોહોલ લેવાની લત લાગી ગઈ હતી. આ ઉપરાંત પ્રત્યુષા ફાઈનાન્શિયલ સ્ટ્રેસમાંથી પણ પસાર થઈ રહી હતી.

રાહુલ પર પ્રત્યુષાને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાનો આરોપ છે. આ કેસમાં રાહુલના વચગાળાના જામીન માટેની અરજીની સુનાવણી આજે છે. આજે પ્રત્યુષા બેનરજીની આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપી રાહુલ રાજસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન માટેની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

રાહુલે જણાવ્યું હતું કે પ્રત્યુષાને વધારે પડતી ડ્રગ્સ લેવાની અને દારૂ પીવાની આદત પડી હતી. ડ્રગ્સ અને ડ્રિંક્સની આદતના કારણે પ્રત્યુષા ઘણીવાર પોતાના મગજ પરનો કંટ્રોલ ગુમાવી દેતી હતી. પ્રત્યુષાના મોટા ભાગના મિત્રો એ વાત જાણે છે તેણે નશો કરવાની જબરદસ્ત આદત પડી ગઈ હતી.

રાહુલે એવું પણ જણાવ્યું હતું કે પ્રત્યુષા પર દેવું પણ વધી ગયું હતું અને તેથી તે ફાઈનાન્સિયલ સ્ટ્રેસમાં રહેતી હતી. અનેક બેન્કોનું તેના પર જંગી દેવું હતું, કારણ કે તેણે બેન્કો પાસેથી મોટી લોનો લીધી હતી. પ્રત્યુષા એક્ટિંગ દ્વારા જે કંઈ કમાતી હતી તે નાણાં તેની માતાના ખાતામાં જમા થઈ જતા હતા.

ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રત્યુષાના શરીરમાં ઈથાઈલ આલ્કોહોલ મળી આવ્યો છે. મૃત્યુ વખતે પ્રત્યુષાના શરીરમાં તેનું પ્રમાણ ૧૪૦ એમ.જી. હતું. ડોક્ટરોનું કહેવું છે કે શરીરમાં ૩૦ એમજી કરતા વધુ આલ્કોહોલ હોવો ન જોઈએ. આ પરથી એક વાત સ્પષ્ટ છે કે આત્મહત્યા કરી ત્યારે પ્રત્યુષા નશામાં ચકચુર હતી.

You might also like