ગોવામાં સાર્વજનિક જગ્યાએ દારૂ પીવા પર થશે પ્રતિબંધ

ગોવામાં ટૂંક સમયમાં જ સાર્વજનિક જગ્યાઓ પર દારૂ પીવા પર પ્રતિબંધ લાગી શકે છે. મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે રાજ્ય સરકારે સાર્વજનિક સ્થળો પર દારૂનું સેવન કરવા પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે.

પર્રિકરે રવિવારે આયોજિત ‘સ્વચ્છ ભારત’ કાર્યક્રમમાં જણાવ્યું કે ગોવા, દીવ-દમણ એક્સાઇઝ અધિનિયમ(1964)માં સંશોધન માટે આગળનાં 15 દિવસની અંદર પ્રશાસનિક અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવશે અને આવતાં મહીના સુધીમાં કાયદામાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવશે.

ગોવામાં સમુ્દ્ર કિનારા સહિત કેટલીક પ્રખ્યાત જગ્યાઓ પર દારૂ પીવા પર પહેલેથી જ પ્રતિબંધ છે. એવામાં સીએમએ નવી જોગવાઈઓની જાણકારી આપતાં કહ્યું કે દારૂની દુકાનોની આસપાસમાં પણ ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. એ સિવાય જો કોઇ દારૂની દુકાનની નજીકમાં જ દારૂ પીતાં કોઇ નજરે ચડશે તો તે દુકાનનાં માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સીએમએ કહ્યું કે જ્યારે લોકો ખુલ્લેઆમ દારૂ પીતાં હોય છે ત્યારે તે લોકો ખુલ્લેઆમ ખરાબ વર્તન કરતાં હોય છે તેમજ દારૂની બોટલોને ખુલ્લેઆમ તોડીને ફેંકતાં હોય છે. જેનાં લીધે સામન્ય જનતાને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલીને રોકવાં માટે જ સરકાર આ કાયદામાં જરૂરી ફેરફારો કરવાં માંગે છે.

You might also like