તામિલનાડુનાં મંદિરોમાં આજથી શ્રદ્ધાળુ માટે ડ્રેસ કોડનો અમલ

મદુરાઈ: તામિલનાડુમાં આજથી વિવિધ મંદિરોમાં દર્શાનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડનો અમલ શરૂ થઈ જશે. આજથી શ્રદ્ધાળુઓએ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. આ અંગે તીર્થ સ્થળોમાં જરૂરી સૂચના નોટિસ બોર્ડ પર મુકી દેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે આ મહિનાના આરંભમાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશાનુસાર મંદિરોમાં આજથી ડ્રેસ કોડનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પલાની મંદિરની બહાર મૂકવામાં આવેલી સૂચના અનુસાર પુરુષ શ્રદ્ધાળુઓને ધોતી, શર્ટ, પાયજામો કે પેન્ટ શર્ટ પહેરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે મહિલા શ્રદ્ધાળુઓને સાડી કે ચૂડીદાર અથવા અડધી સાડી સાથે “પાવાડઈ” પહેરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

આ સૂચનામાં વધુમાં જણાવ્યું છે કે જે શ્રદ્ધાળુઓ લુંગી, બરમુડા, જિન્સ કે ચુસ્ત લેગિંગ્સ પહેરીને આવશે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અન્ય મુખ્ય મંદિરોએ પણ આવી સૂચનાઓ પણ જારી કરી છે એવું અધિકારીએ જણાવ્યું હતું. ડ્રેસ કોડનો અમલ કરનારાં મંદિરોમાં રામેશ્વરમ્ અને મીનાક્ષી મંદિરનો પણ સમાવેશ થાય છે.

મદ્રાસ હાઈકોર્ટ ૧લી ડિસેમ્બરે પોતાના એક ચુકાદામાં રાજ્ય સરકાર અને હિંદુ ધાર્મિક તેમજ ચેરિટી વિભાગને આદેશ કર્યો હતો કે તે મંદિરોમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરે કે જેથી મંદિરોમાં આધ્યાત્મિક માહોલને પ્રોત્સાહન મળે.

You might also like