કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસ કોડ: વિદેશી મહિલાએ સાડી પહેરવી પડશે

વારાણસી: દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસ કોડનો અમલ શરૂ થઇ ગયો છે. એક નવા આદેશ અનુસાર રવિવારથી મંદિર પરિસરમાં આવતી વિદેશી મહિલાઓ માટે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે વિદેશી મહિલાઓ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશી શકશે નહીં. મંદિર સંકુલમાં હાફ પેન્ટ, કેપ્રી, જિન્સ, મિનિસ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને વિદેશી મહિલાઓએ હવે મંદિરમાં દર્શન કરવા જવા માટે સાડી પહેરવી પડશે.

દરરોજ આ મંદિરમાં ૬૦,૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેમાંથી ૩,૦૦૦ જેટલા વિદેશી હોય છે. વિદેશી મહિલાઓ કાશી વિશ્વનાથ મંદિરમાં ટુંકા કપડાં પહેરીને આવે છે. જે ભારતીય સંસ્કૃતિ માટે અયોગ્ય છે. આ અંગે શનિવારે કમિશનરે નીતિન રમેશ ગોકર્ણિએ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેમણે ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને નુકસાન પહોંચાડે એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

વિદેશી પ્રવાસીઓ માટે વિશ્વનાથ મંદિર પોલીસ ચોકીની પાસે એક ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વિદેશી મહિલાઓએ પોતાના પાશ્ચાત્ય ઢબનાં વસ્ત્રો બદલીને ભારતીય સાડી પહેરીને મંદિરમાં દર્શનાર્થે જવું પડશે. ચેન્જિંગ રૂમ અને મંદિરનાં કાઉન્ટર પાસે સાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ રીતે જે ભારતીય શ્રદ્ધાળુઓ આરતી દરમિયાન હાફ પેન્ટ પહેરીને મંદિરમાં જાય છે તેમના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

You might also like