એક ઘર બનાઉંગા ઉસ મેં સ્વર્ગ બસાઉંગા…!

પૃથ્વી પરના પ્રત્યેક જીવનું એક મધુર અને શાશ્વત ખ્વાબ એટલે પોતાનું એક ઘર.

માત્ર માણસને જ ઘરનું ખ્વાબ થોડું હોય છે ? કીડીને-ઉંદરને દર હોય, વાઘ-સિંહને ગુફા કે બોડ હોય, ઊધઈને રાફડો હોય અને મધમાખીને મધપૂડો હોય, પંખીને માળો હોય… પાળેલા જીવને કદાચ પોતાની મરજીનું – પોતે સજાવેલા ખ્વાબ મુજબનું ઘર ન મળે. એણે તો મજબૂરીના કારણે એના માલિકની મહેરબાનીથી મળેલા ‘ઘર’નો સહજ સ્વીકાર કરવો પડે.

અને આમ તો આપણેય, આપણને પસંદગીનું ઘર મળે – ન મળે એમાં આપણા માલિક (ઉપરવાળા)ની મરજીનો હવાલો આપવા ટેવાયેલા જ છીએને !
ઘર સામાન્ય રીતે આપણા પુરુષાર્થનો આગ્રહ રાખે છે. (કેટલાક બડભાગી લોકોને વારસામાં ઘર મળી ગયું હોય છે, એ વાત અલગ છે.) આજના મોંઘવારીના યુગમાં તો માત્ર સિંગલ બી.એચ.કે. (એક બેડરૃમ, હૉલ, કિચન)નો વૈભવ પણ વૈકુંઠ જ ગણાય.

ઘર કદી શ્રીમંત કે ગરીબ નથી હોતું. એના બાહ્ય ઠાઠ-ભપકાને આધારે એનું મૂલ્યાંકન કરવામાં ખોટા પડવાનું પૂરેપૂરું જોખમ છે. ક્યારેક બહારથી ભવ્ય લાગતા બંગલામાંય સ્નેહ-સમજણની ગરીબીનું અકળાવનારું સામ્રાજ્ય હોય છે, તો ક્યારેક ફૂટપાથના એક છેડે બનાવેલી ઝૂંપડીની તૂટેલાં પતરાં અને ઘાસની દીવાલના બાકોરામાંથી ભીતર છલકાતી સ્નેહ-સમર્પણની સમૃદ્ધિ ઇર્ષાપ્રેરક હોય છે.

ઘરને આપણે કેટકેટલા વાઘા પહેરાવતા રહીએ છીએ ! ઘરમાં એક મંદિર હોય, ઘરમાં એક પુસ્તકાલય હોય, ઘરમાં એક હોમ-થિયેટર હોય, ઇમર્જન્સી સારવાર માટેની તબીબી સામગ્રી હોય એટલે કે મિની હૉસ્પિટલ હોય, ટેરેસ પર ગાર્ડન હોય, પંખીઓ માટે ચબૂતરો હોય. અધધધ… આપણા ખ્વાબના ઘરમાં આપણે કેટકેટલું ઠાંસીઠાંસીને ભરતા રહીએ છીએ ! આખી દુનિયા આપણા ઘરમાં ભરી દેવાની લાલસા કાંઈ નવી નથી. એવી લાલસા જ ઘરને સ્વર્ગ પણ બનાવે છે અને ક્યારેક એનો અતિરેક એને નરક પણ બનાવી મૂકે છે.

ઘર પોતાની માલિકીનું હોય કે ભાડાનું હોય, એમાં નિરાંત હોય એ ઇનફ છે. કહેવાય છે કે પચાસ પુરુષો ભેગા મળીને રહેતા હોય એ સ્થળ માત્ર મકાન જ હોય છે એને ‘ઘર’નું સ્ટેટસ નથી મળતું. આવું સ્ટેટસ મેળવવા માટે એમાં એક ગૃહિણીનું હોવું કમ્પલસરી છે.

ગૃહિણીનો સ્પર્શ મકાનને ઘર બનાવી દે છે. વડીલોની ઉપસ્થિતિ એ ઘરમાં શ્વાસ ભરે છે અને બાળકો એ ઘરને તાજગીની દીક્ષા આપે છે. આદર અને આતિથ્ય ઘરને સ્વર્ગ બનાવે છે. સ્નેહ- સમર્પણ ન હોય તો પછી ઘર અને સ્મશાન વચ્ચે ઝાઝો ફરક રહેતો નથી.

માત્ર દીવાલોથી ઘર ન બને, એ તો કારાવાસ બને. મીરાંબાઈએ ભલે આધ્યાત્મિક સંદર્ભમાં પણ માર્મિક વાત કહી છે.
‘ઊંચા ઊંચા મહલ બનાઉં…
બિચ બિચ રાખું બારી…’

બારી વગરનો મહેલ પણ જેલ જ છે. ઘરની બારી એટલે બાહ્યજગત સાથેનું અટેચમૅન્ટ ટકાવી રાખતું જીવંત નેટવર્ક. બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો આપણા અસ્તિત્વને સભરતા બક્ષે છે. વાદળનું દળ પસાર થતું હોય ત્યારે વિરહી યક્ષનું સ્મૃતિમંદિર રચી આપવામાં બારીનો ફાળો જેવોતેવો નથી હોતો.
ચકલી, કબૂતર, ખિસકોલી, ઉંદર, ગરોળી, વંદા, અ.સૌ.કીડીબાઈ જેવા અનેક જીવો ડોરબેલ વગાડ્યા વગર આપણા ઘરમાં અધિકારપૂર્વક પ્રવેશી જતા હોય છે. માખી-મચ્છર પણ ગમે ત્યારે લેન્ડિંગ અને ટેકઑફ કરતાં રહે છે. આપણા ગમા-અણગમાને એ ક્યાં ગાંઠે છે ? ક્યારેક છત-છાપરા પર તોફાની વાંદરાં ફ્લાઇંગ-વિઝિટ કરી જાય છે અને ક્યારેક કાગડો કોઈ મહેમાન આવવાનો સંદેશ આપી જાય છે.

કેટકેટલું સહિયારું થાય છે, ત્યારે આપણને એક ‘ધબકતું ઘર’ પ્રાપ્ત થતું હોય છે ! મારે મહાભિનિષ્ક્રમણ કરીને, આવું ઘર છોડીને ક્યાંય જવું નથી. મૃત્યુ પછી ભલે મારું જે થવું હોય તે થાય, જીવતેજીવત મારા ઘરની માયા છોડવાનું મને પરવડે એમ બિલકુલ નથી.

મારું ઘર મારા માટે અને મારા પરિવાર માટે તો અમારા સહિયારા પુરુષાર્થનું સર્ટિફિકેટ છે, અમારા સહિયારા પરાક્રમનું ગૌરવશિખર છે. એને કોઈ કિંમતે છોડવા હું બિલકુલ તૈયાર નથી જ નથી !

You might also like