સપનાંનાં રહસ્યોની દુનિયા કેવી છે?

હું અને અમિતાભ બચ્ચન આગામી ફિલ્મ વિશે વાત કરતાંકરતાં મારી મર્સિડિઝ બેન્ઝમાં જઈ રહ્યા હતા. તેમને તેમના બંગલા પર ઉતારીને હું મારા આલીશાન બંગલાના પાર્કિંગમાં કાર પાર્ક કરીને બહાર પગ મૂકવા ગયો ત્યાં જ આંખો ખૂલી ગઈ. આવા પ્રકારનાં સપનાં અનેક લોકોને આવતાં હોય છે.

નરી આંખે કલ્પના પણ ન કરી શકાય તેવી દુનિયાની અનુભૂતિ સપનાંમાં થતી હોય છે. અંતે આ સપનાં છે શું? વૈજ્ઞાનિકો જે રહસ્યોને ખોળી નથી શક્યા તેમાંનું એક રહસ્ય સમણું છે. વિજ્ઞાન હજી સુધી જાણી શક્યું નથી કે સપનાં કઈ રીતે આવે છે?

જર્નલ ઓફ ન્યુરો સાયન્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર સપનાં અને યાદો વચ્ચે ગાઢ સંબંધ હોય છે. યુનિવર્સિટી ઓફ રોમનાં ક્રિસ્ટિના માર્ઝેનો અને તેના સાથીદારોએ સંશોધન કર્યું હતું કે વ્યક્તિ તેમનાં સપનાં સાથે તેની યાદોને લઈને જોડાતી હોય છે. જો કે અત્યાર સુધીમાં સપનાંને લઈને અનેક સિદ્ધાંતો બહાર આવ્યા છે પણ હજી સુધી તેનો કોઈ સાચો જવાબ મળ્યો નથી કે સપનાં શું કામ આવે છે?

વિજ્ઞાન કહે છે કે સૌથી વધારે સભાન (સરળ) સપનાં આવતાં હોય છે. જેમ કે, ફરવા જવું, ફિલ્મ જોવા જવું વગેરે. ઘણાંને આવિષ્કાર કે શોધનાં સપનાં આવતાં હોય છે. ઘણાને આગાહીરૂપે સપનાં આવતાં હોય છે.

જાગૃતાવસ્થા અને ઊંઘ વચ્ચેની અવસ્થામાં ડરામણાં સપનાં પણ આવતાં હોય છે. સરેરાશ વ્યક્તિ તેના જીવનનાં છ વર્ષ સપનાંમાં જીવે છે. સંશોધકોનું કહેવું છે કે ૩-૪ વર્ષ સુધીના બાળકને સપનું આવતું નથી. મોટાભાગનાં સપનાં તમે જેને જાણતા હોવ છો તે લોકોનાં જ આવે છે. આવેલું સપનું જાગ્યાની પાંચ મિનિટમાં જ ભુલાઈ જતું હોય છે.

You might also like