સપનાં પૂરાં થયાં પ્રિયંકા ચોપરા

ગયા વર્ષે પ્રિયંકા ચોપરાની કરિયરમાં ઘણાં પરિવર્તન આવ્યાં. ‘મેરી કોમ’, ‘દિલ ધડકને દો’ અને ગયા વર્ષની સુપરહિટ ‘બાજીરાવ મસ્તાની’માં તેના રોલની ખૂબ પ્રશંસા થઇ. તેને હોલિવૂડ સિરીઝ ‘ક્વાંટિકો’ માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ અને હાલમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરાઇ. પ્રિયંકા આ અંગે કહે છે કે હું મારી ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. હું વિચારું છું કે મારાં સપનાં સાચાં પડ્યાં છે. આ બધું મારી મહેનતનું જ પરિણામ છે.

તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ પણ તેની હોમ પ્રોડક્શન કંપની લોંચ કરી. તે કહે છે કે હું એક અભિનેત્રીની સાથેસાથે એક રચનાત્મક વ્યક્તિ પણ છું. હું રોજ કંઇક નવું કરવા ઇચ્છું છું. મારા પ્રોડક્શન હાઉસની વાત છે તો તે આનો જ એક પ્રકાર છે. તેના હેઠળ હું એવું કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો આપીશ, જેમાં દર્શકોને પૈસા વસૂલ મનોરંજન મળી શકે.

પ્રિયંકા ચોપરાએ મધુર ભંડારકર સાથે મળીને ‘મેડમજી’ ફિલ્મના નિર્માણની શરૂઆત કરી હતી, પરંતુ અત્યારે આ પ્રોજેક્ટ અભરાઇએ ચડાવાયો છે. પ્રિયંકા કહે છે, આ ફિલ્મ જરૂરથી બનશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ મારા દિલની નજીક છે, પરંતુ આ ફિલ્મને લઇને હજુ ઘણાં કામ કરવાનાં બાકી છે. ઘણું રિસર્ચ વર્ક બાકી છે, તેથી અમે લાંબા સમય માટે તેનું નિર્માણ ટાળી દીધું છે. આ વર્ષના અંત સુધી ફરી તેનું પ્રોડક્શન શરૂ થશે. તે કહે છે કે હું મારી કંપનીએ બનાવેલી ફિલ્મોમાં અભિનય નહીં કરું, જે પાત્ર ફિટ થતાં હશે તેને જ તેમાં લઇશું. હું મારી જ કંપનીએ બનાવેલી ફિલ્મોમાં દેખાઉ તે તો થોડું અજીબ લાગશે.

You might also like