સપનું સાચું પડ્યુંઃ અદિતિ

બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી હાલમાં તેની આગામી ફિલ્મ ‘ભૂમિ’ને લઇને ચર્ચામાં છે. આ ઉપરાંત તે અન્ય ફિલ્મો પણ કરી રહી છે. ‘ભૂમિ’ ફિલ્મ વિશે વાત કરતાં તે કહે છે કે આ ફિલ્મમાં મને સંજય દત્તની પુત્રીનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો છે. ‘ભૂમિ’ ફિલ્મને ‘મેરી કોમ’ ફિલ્મના ડિરેક્ટર ઉમંગકુમાર ડિરેક્ટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં અમે આ ફિલ્મનું શૂટિંગ આગ્રામાં કર્યું છે. આ ફિલ્મની કહાણી પિતા-પુત્રીના સંબંધો પર આધારિત છે. પિતા-પુત્રીના સંબંધોનું આ સમીકરણ સ્ટોરીનો મહત્ત્વનો ભાગ છે. અદિતિ કહે છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં મેં સંજય સર સાથે મુલાકાત કરી હતી. તેથી અમારી વચ્ચે એક બોન્ડિંગ પણ ડેવલપ થયું અને તેથી મને ફિલ્મનું શૂટિંગ કરવામાં કોઇ સમસ્યા થઇ નથી.

આ ફિલ્મનો રોલ પહેલાં આલિયા ભટ્ટ કરવાની હતી. અદિતિ કહે છે કે મારી પાસે જ્યારે આ રોલ આવ્યો ત્યારે મને એ વાતની જાણ ન હતી કે આ ફિલ્મ માટે પહેલાં આલિયાનો એપ્રોચ કરાયો હતો. તેણે કયા કારણસર ફિલ્મ માટે ના કહી તે પણ હું જાણતી નથી, જોકે મને એ વાતથી બહુ ફરક પડતો નથી કે પહેલાં આ રોલ કોણ કરી રહ્યું હતું. મારા માટે એ વાત મહત્ત્વની છે કે મને જે રોલ નિભાવવાની જવાબદારી આપવામાં આવી છે તે હું કેવી રીતે શ્રેષ્ઠ ભજવી શકું. મણિરત્નમ્ના નિર્દેશનમાં પણ અદિતિ એક ફિલ્મ કરી રહી છે. તે કહે છે કે સિદ્ધહસ્ત ડિરેક્ટર મણિરત્નમ્ની આગામી તામિલ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો તે મારા માટે ગર્વની વાત છે. તેથી ભાષાની પરવા કર્યા વગર મેં તે ફિલ્મ સ્વીકારી લીધી. મણિરત્નમે જ્યારે મારો સંપર્ક કર્યો તો મને લાગ્યું કે મારું સપનું સાચું પડ્યું છે, કેમ કે હું તેમની સાથે કામ કરવા ઇચ્છતી હતી.

http://sambhaavnews.com/

You might also like