નવા વિંઝોલમાં લોકોએ મહિલા કોર્પોરેટરના પતિ ઉપર રોષ ઠાલવ્યો

અમદાવાદ: વર્ષ ર૦૧૦માં અમદાવાદના સો ટકા વિસ્તારને પાણી અને ગટરની સુવિધાથી આવરી લેવાના મ્યુનિસિપલ તંત્રના ‘ગોલ્ડન ગોલ’નો પૂર્ણપણે ફિયાસ્કો થયો છે. આજે પણ શહેરના ૧પથી ર૦ ટકા વિસ્તારના લોકોને સત્તાવાળાઓ પાણી-ગટરની સુવિધા પૂરી પાડી શકયા નથી. તાજેતરમાં નવા વિંઝોલમાં પાણી, ગટર અને તૂટેલા રસ્તાના મામલે લોકોએ સ્થાનિક મહિલા કોર્પોરેટરના પતિ ઉપર રોષ ઠાલવ્યો હતો.

શહેરના નવા વિંઝોલ જેવા દૂર સુદૂરના વિસ્તારમાં લોકો તૂટેલા રસ્તાથી તો પરેશાન છે જ, પરંતુ પાણી અને ગટરની લાઇનના અભાવથી હાડમારી ભોગવી રહ્યા છે. શહેરમાં કરોડો રૂપિયા વિકાસના પ્રોજેકટ પાછળ ખર્ચ કરનાર સત્તાધીશો મ્યુનિસિપલ કોર્પોરેશનના પાયારૂપ, નળ, ગટર અને રસ્તાને વિસારી દેવાથી નવા વિંઝોલના દરબારવાસ વિસ્તારના નાગરિકોએ પવન યાદવ પર રોષ ઠાલવ્યો હતો.

રામોલ-હાથીજણ વોર્ડના મહિલા કોર્પોરેટર કિરણ યાદવના પતિ પવન યાદવને સ્થાનિક સ્તરે પાણી અને ગટરના પ્રશ્નોના નિરાકરણ માટે લોકોને આપેલા વાયદા નડયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ પવન યાદવને જાહેર બાંકડે બેસાડીને ઘેરી લીધા હતા. આ વિસ્તાર માટે રૂ.બે કરોડ ખર્ચાયા છે તેવું કહેનાર કોર્પોરેટર પતિને લોકોની ‘અમારી ગલી માટે નાણાં ખર્ચ્યાં છે?’ પાણીની લાઇન તો અમે સ્વખર્ચે લાવ્યા અને ગટરની લાઇન નાંખવાનું આશ્વાસન ચૂંટણી નજીક આવતાં યાદ આવ્યું તેવા સવાલો પૂછીને મૂંઝવી નાખ્યા હતા. આ અંગે મહિલા કોર્પોરેટર કિરણ યાદવના પતિ પવન યાદવને પૂછતાં તેઓ કહે છે, ‘હું મારા કાર્યકર મિત્રની દુકાનના બાંકડે બેઠો હતો અને આવી કોઇ બબાલ થઇ નથી આ તો કોંગ્રેસવાળાનું કાવતરું છે.’

You might also like