સેટેલાઈટમાં ડ્રેનેજ લાઇનનું સીસીટીવીથી ડીસિલ્ટિંગ કરાશે

અમદાવાદઃ નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના સેટેલાઇટ વિસ્તારની ડ્રેનેજ લાઇનનું સીસીટીવી કેમેરાની આધુનિક પદ્ધતિથી ડીસિલ્ટિંગ કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા રૂ.૧.૧૬ કરોડથી વધુની રકમનો અંદાજ તૈયાર કરાયો છે.
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા હસુભાઇ ભીખુભાઇ બંગલોઝથી વાસુપૂજ્ય બંગલોઝ થઇ ઇસ્કોન સર્વિસ રોડ પર ઝાયડસ સ્કવેરથી પ્રહ્લાદનગર તરફ જતી ડ્રેનેજ લાઇન સતત ભરેલી રહેતી હોઇ આસપાસના રહેણાક વિસ્તારોમાં ગટરો ઊભરાતાં નાગરિકો તોબા પોકારે છે. આ ડ્રેનેજ લાઇનના મેનહોલનું સીસીટીવી કેમેરાથી ડીસિલ્ટિંગ કરાશે.

કોર્પોરેશન નવી દિલ્હીની ટીપીએસ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની પાસેથી ચાર સુપર સકર મશીન રૂ.૬ કરોડના ખર્ચે ખરીદશે. આ કંપનીને જ પાંચ વર્ષનાં ઓપરેશન-મેન્ટેનન્સની કામગીરી સોંપાશે. પ્રતિ શિફટના રૂ.૧૦,૯૩૭.પ૦ પૈસા પ્રમાણે ચાર મશીનની કુલ ૧ર,૮૦૦ શિફટ સહિત રૂ.ર૦ કરોડનાં ટેન્ડર આજે મળનારી વોટર સપ્લાય કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયું છે. નવરંગપુરા વોર્ડમાં વિજય ચાર રસ્તા પર આવેલી ૧૪૦૦ મીમીની ડ્રેનેજ લાઇન પરના મેનહોલના રિપેરિંગ પાછળ રૂ.૧૧.પપ લાખ ખર્ચાશે. સરદારનગર વોર્ડના ઇસ્કોન વિલાની પાછળ પીવાનું પાણી સહિતનાં કામો માટે રૂ.૧૩.૪૪ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે.

આ ઉપરાંત દાણીલીમડા વોર્ડમાં ચંડોળા તળાવની પાસે આરસીસી સમ્પ બનાવવા અને અંબા માતાનાં મંદિરથી ચંડોળા તળાવની પાળ સુધી આરસીસી સ્ટ્રોમ વોટર નાખવા પાછળ રૂ.ર૪.૭૮ લાખ ખર્ચાશે. આ માટેનાં ટેન્ડર આધારિત રૂ.ર૬.૦ર કરોડનાં અંદાજને પણ લીલી ઝંડી અપાઇ છે.

You might also like