શહેરની ગટર લાઇનો ચોમાસામાં પરેશાન કરે તેવી શક્યતા

અમદાવાદ: અમદાવાદમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાઇને હાહાકાર મચાવે છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારો આજે પણ કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન બિછાવ્યા બાદ પણ સામાન્ય વરસાદમાં જળબંબાકાર થઇ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા રાબેતા મુજબ પ્રી-મોન્સૂન એકશન પ્લાન બનાવાય છે અને પ્રી-મોન્સૂન એકશન પ્લાન હેઠળ ગટરોની સાફસફાઇ કરાતી હોવાના બણગાં ફુંકાય છે. જોકે દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ શહેરની ગટર લાઇનો ચોકઅપ થાય તેવી પૂરેપૂરી શકયતા છે.

નાગરિકોને તો ચોમાસાના સામાન્ય વરસાદમાં એવો અનુભવ રહ્યો છે કે તંત્રના પ્રી-મોન્સૂન એકશન પ્લાન ‘કાગળ પરનો વાઘ’ જ હોય છે. ચાલુ ચોમાસામાં પણ મ્યુનિસિપલ તિજોરીમાંથી આશરે રૂ.૧૦ કરોડ પ્રી-મોન્સૂન એકશન પ્લાન હેઠળ ખર્ચાઇ રહ્યા છે, પરંતુ જે કોન્ટ્રાકટરોને ગટરોની સાફ-સફાઇનું કામ સોંપાય છે તે કોન્ટ્રાકટરો કામગીરીમાં રીતસરની વેઠ ઉતારે છે.

દરમિયાન પ્રી-મોન્સૂન એકશન પ્લાન હેઠળ હજુ કુલ ૧.રપ લાખ મેનહોલ પૈકી અંદા‌િજત ૬૦ ટકા મેનહોલની જ સાફસફાઇ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ ચોમાસું ધીમે ધીમે જમાવટ કરી રહ્યું હોઇ ખુદ શાસકો તંત્રની ધીમી ગતિની કામગીરીથી ચિંતામાં ગરકાવ થયા છે. શાસક પક્ષ દ્વારા સંંબંધિત વિભાગના અધિકારીઓને મેનહોલની સફાઇમાં ઝડપ લાવવાની કડક તાકીદ કરાતાં જે તે જોનનો ઇજનેર વિભાગ દોડતો થયો છે. દરમિયાન સૂત્રો કહે છે કે કેચપીટની સફાઇનો પ્રશ્ન નથી. પ્રી-મોન્સૂન એકશન પ્લાન હેઠળ તા.૧પ જૂન પહેલાંના બે રાઉન્ડમાં અંદાજિત ૪૦,૦૦૦ કેચપીટની બે-બે વખત સફાઇ થઇ ચૂકી છે.

ફકત મેનહોલની સફાઇમાં તંત્ર નબળું પુરવાર થયું છે. જોકે કેચપીટ અને મેનહોલની સફાઇ વખતે જે તે વોર્ડના કોર્પોરેટરને તંત્ર વિશ્વાસમાં લેતું નથી તેવી ફરિયાદ પણ આ વખતે મોટા પ્રમાણમાં ઊઠી છે. ખુદ શાસક પક્ષના કોર્પોરેટરો પણ આવી બૂમો પાડી રહ્યા છે. અલબત્ત દિલ્હી હવે દૂર નથી. કોર્પોરેશનનો પ્રી-મોન્સૂન એકશન પ્લાન સફળ નીવડ્યો છે કે હંમેશ મુજબ વરસાદી પાણીમાં ધોવાયો છે તેની ટૂંક સમયમાં ખબર પડી જશે.
http://sambhaavnews.com/

You might also like