ગટરનાં ઊભરાતાં પાણીએ ચાર સોસાયટીને ટાપુ બનાવી!

અમદાવાદ: શહેરના ઘણા વિસ્તારમાં લોકો ગટરનાં ગંદાં પાણીના કારણે ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે ત્યારે શહેરમાં આવેલા વટવા વિસ્તારમાં પી. ડી. પંડ્યા રોડ પાસે આવેલી સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદું પાણી રસ્તા પર ફરી વળે છે. શાળાનાં બાળકો રોજ અહીંથી પસાર થતાં હોય છે. ગટરનું ગંદું પાણી રસ્તા પર ફરી વળવાના કારણે શાળાનાં બાળકો સહિત લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે ત્યારે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાગણી ઊઠી હતી.

વટવા પાસે આવેલી સોસાયટીમાં લોકો ગટરનાં પાણી વચ્ચે જીવી રહ્યા છે. આ સોસાયટીમાં પ્રવેશવાના રસ્તા સુધી ગટરનાં પાણી ફરી વળ્યાં છે. મકાનોમાં પણ ગટરનાં પાણી ઊભરાયેલાં છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ ગટરનાં પાણીનું લેવલ વધી રહ્યું છે.

શહેરના વટવા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ, હરિકૃપા, સોમનાથ, કૈલાસ પાર્ક, સ્મૃતિપાર્ક સોસાયટીમાં ગટરો ઊભરાઇ રહી છે, જેના લીધે વસાહતીઓ ત્રાસી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગટરો ઊભરાવાનો ઘટનાક્રમ યથાવત્ હોવા છતાં પણ તંત્રના પેટનું પાણીય હાલતું નથી. ઊભરાતી ગટરોના લીધે વસાહતીઓ તથા રાહદારીઓને ફર‌િજયાત નાક દબાવીને ચાલવાની ફરજ પડે છે. ગંદા પાણીના લીધે મચ્છરોની ઉત્પત્તિ પણ વધી ગઇ છે.

આ અંગે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કર્યા બાદ એકાદ વખત માણસોને સફાઇ માટે મોકલે છે. સફાઇ કર્યાના થોડા દિવસોમાં જ ગટરો ઊભરાવાની સમસ્યા જૈસે થે થઇ જાય છે. આ સમસ્યા રહેવાસીઓ માટે પણ ત્રાસદાયક બની ગઇ છે. રહેણાક વિસ્તારમાં ગટરોનાં ઢાંકણાંમાંથી ઊભરાતાં ગંદાં પાણી રહેણાક વિસ્તારના માર્ગો પર ફરી વળતાં બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ બાબતને લઇ કોર્પોરેશનમાં જઇને અનેક વખત સામૂહિક રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ સ્થિતિ સુધરવાના બદલે દિન-પ્રતિ‌િદન વધારે ગંભીર બનતી જાય છે.

વટવા વોર્ડનાં કોર્પોરેટર પુષ્પાબહેન મિસ્ત્રીએ જણાવ્યું કે આ સોસાયટીમાં પાઇલાઇન ઊંચી-નીચી નાખેલી હતી અને આ સોસાયટીમાં 15 લાખના ખર્ચે પાઈપલાઈન નાખવાનું અને રોડ બનાવવાનું કામ શરૂ કરાયું છે અને અમુક લોકો આ કામગીરી થવા દેતા નથી, પણ અમે વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી દઈશું.

You might also like