ડો.પીયૂષ પટેલે ૫૫૦ મહિલાઓને સ્ત્રીબીજ ડોનેટ કરવા તૈયાર કરી

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ પરમારનું સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ બંને કિડનીઓ ફેઇલ થઇ જતાં થયેલાં મોતના ચકચારી કિસ્સામાં રામોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધરપકડ કરાયેલા હોમિયોપેથિક ડો.પીયૂષ પટેલની વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે તેમનાં ક્લિનિક પરથી ૫૫૦ ગરીબ મહિલાઓએ સ્ત્રીબીજ ડોનેટ કર્યા હોવાના દસ્તાવેજો કબજે કર્યા છે. એક અંદાજ મુજબ ડો.પીયૂષ પટેલે એક કરોડ કરતાં વધુ રૂપિયા સ્ત્રીબીજ ડોનેટ કરનાર મહિલા તેમજ એજન્ટને આપ્યા છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમારની મુલાકાત વર્ષ ૨૦૧૭માં ખુશબૂબહેન, વનિતાબહેન, નિકીબહેન અને પિન્કીબહેન સાથે મુલાકાત થઇ હતી. ચારેય મહિલાએ તેને સ્ત્રીબીજ ડોનેટ કરવા માટેની વાત કરી. જેમાં તેમને એક સ્ત્રીબીજ માટે ૧૫ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.

રૂપિયાની લાલચમાં આવીને સોનલ સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે રાજી થઇ ગઇ હતી. ચારેય મહિલાઓએ રખિયાલ ખાતે આવેલી ઓજસ હોસ્પિટલમાં ડો.પીયૂષ પટેલ અને ડો.નિસર્ગ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.

સૌ પહેલાં ડો.પીયૂષ અને નિસર્ગ સોનલનું સ્ત્રીબીજ લેવા માટે ભોપાલ ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ ઉપરાછાપરી સોનલને સ્ત્રીબીજ લેવા માટે ઉદયપુર, કાનપુર, અને પુણે અલગ અલગ જગ્યાએ લઇ ગયા હતા.

સોનલને કાનપુર ખાતે સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે લઇ ગયા હતા. જ્યાં સ્ત્રીબીજ લીધા બાદ તેની તબિયત વધુ લથડી હતી. સોનલની તબિયત વધુ ખરાબ થતાં ડો.પીયૂષ અને ડો.નિસર્ગ તેને ઉદયપુરની આર.કે.હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેને ઇન્જેક્શન આપ્યાં હતાં. સોનલની બંને કિડની ફેઇલ થઇ ગઇ હોવાથી તેનું મોત થયું હતું.

જેમાં પોલીસે ડો.પીયૂષ પટેલ, ડો.નિસર્ગ પટેલ સહિત બે નર્સ અને બે મહિલા એજન્ટ વિરુદ્ધમાં સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ કરી હતી. પોલીસે ડો.પીયૂષ પટેલ અને એજન્ટ ખુશબૂ અને વનિતાની ધરપકડ કરીને જેલના હવાલે કર્યા છે.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.દવેએ જણાવ્યું છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પુષ્પક કોમ્પ્લેક્સમાં ડો.પીયૂષ પટેલનું ક્લિનિક આવેલું છે. જેમાં દરોડા પાડતાં તેમાંથી મહત્વના દસ્તાવેજો કબજે થયા છે.

પીયૂષ પટેલે ત્રણ વર્ષમાં વનિતા અને ખુશબૂ જેવા એજન્ટ મારફતે ૫૫૦ ગરીબ મહિલાઓને સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે તૈયાર કરી હતી. તમામ મહિલાઓને એક સ્ત્રીબીજ ડોનેટ કર્યા પાછળ ૧૫હજાર રૂપિયા મળતા હતા ત્યારે એજન્ટને ૨ થી ૩ હજાર રૂપિયા ડો.પીયુષ પટેલ આપતો હતો. હાલ પીયૂષ પટેલ કન્સલ્ટન્ટનું કામ કરતો હતો કે સ્ત્રીબીજ ડોનેટ કરવામાં મદદ કરતો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like