મેં કશું કર્યું નથી, બધું ખોટું છે રીઢા જયેશ પટેલે રંગ બદલ્યો

અમદાવાદ : વડોદરાની પારુલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક ડો. જયેશ પટેલને વડોદરા ગ્રામ્ય એલસીબી સહિતની ટીમે ગત રાત્રે આણંદ આસોદર ચોકડી નજીકથી કારમાંથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી જયેશ પટેલની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે કશું જ ન કર્યું હોવાનું અને આ બધું ખોટું છે, તમે ખોટા છો, મને ફસાવવાનું રાજકીય ષડયંત્ર હોવાનું રટણ કર્યું હતું. ૧૭ જૂનની રાત્રે જયેશ પટેલ પીડિતાના પરિવારજનો સામે રીતસર આજીજી કરી માફી માગી રહ્યો હતો અને ઝડપાયા બાદ પોતે કંઇ જ કર્યું ન હોવાનું જણાવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાજસ્થાનના બાંસવાડા, ઉદયપુર જેવા સ્થળોએ ફર્યો હતો, પરંતુ તેની વાત ઉપર ભરોસો મૂકી શકાય તેમ નથી. ફરિયાદ નોંધાયા બાદ જયેશ પટેલ ફરાર થઇને કઇ કઇ જગ્યાએ ગયો હતો તે બાબતે તપાસ કરવામાં આવશે. આજે તેને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે.

પારુલ યુનિવર્સિટીની નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર ડો. જયેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ મામલે વાઘોડિયા પોલીસે ડો. જયેશ પટેલ પાસે યુવતીને લઇ જનાર રેક્ટર ભાવના પટેલની માણસાથી ધરપકડ કરી હતી.

બીજી તરફ રાજકીય વગ ધરાવતા અને યુનિવર્સિટીના પૂર્વ સંચાલક દ્વારા આવી શરમજનક ઘટના બહાર આવતાં ઠેરઠેર વિરોધના સૂર ઊઠ્યા હતા. કુકર્મી જયેશ પટેલની તાત્કાલિક ધરપકડ થાય તે માટે મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરાઇ હતી. વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જયેશ પટેલની શોધખોળ હાથ ધરાઇ હતી. આરોપી જયેશ પટેલે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો અને અન્ય એક નંબર મેળવ્યો હતો. આ નંબર પોલીસે ટ્રેસ કરતાં રાજસ્થાનનું લોકેશન મળ્યું હતું અને બાદમાં આણંદથી વડોદરા તરફ આવતો હોવાની બાતમી એલસીબીની ટીમને મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી એસ.એલ. ભટ્ટે જણાવ્યું હતું કે એલસીબીની ટીમે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. આરોપી વારંવાર તેનાં મોબાઇલ નંબર બદલતો હતો. તેની પાસેથી માત્ર દવાઓ મળી છે. જયેશ પટેલને જેણે પણ આશરો આપ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જે ડીવીઆર મળ્યું છે તેની તપાસ કરવાની છે અને તમામ પુરાવા પોલીસને મળ્યા છે. જયેશ પટેલના દુષ્કર્મની જો કોઇ વિદ્યાર્થિની ભોગ બની હોય અથવા કોઇ ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે. પીડિતા અને ફરિયાદીને પૂરતું રક્ષણ આપવામાં આવશે તેમજ આરોપી સામે વિરોધના સૂર ઊઠ્યા હોઇ તેને પણ સુરક્ષા આપવામાં આવી રહી છે.

વડોદરા ગ્રામ્યના ડીએસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે આરોપી જયેશ પટેલ પોતાના ગુનાની કબૂલાત નથી કરી રહ્યો. ‘આ બધું ખોટું છે. તમે ખોટા છો’ તેવું પોલીસ સામે કહી રહ્યો છે. તેના વર્તન પરથી પોલીસને તેની વાતો ઉપર ભરોસો નથી. તેના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરવામાં આવશે અને વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.

You might also like