ડૉ. ઝાકીર નાઈક માત્ર વિવાદાસ્પદ છે કે શંકાસ્પદ પણ ખરા?

ડૉ. ઝાકીર નાઈકની ખ્યાતિ ઈસ્લામ ધર્મના ઉપદેશક તરીકે દેશની સરહદોની પેલે પાર પણ ફેલાયેલી છે. મુંબઈના મધ્યમવર્ગ વિસ્તારમાં જન્મેલા આ માણસની આભા ચોક્કસ સમુદાયમાં ચોમેર ફેલાયેલી છે, પરંતુ હાલ તેમનું આભામંડળ વિવાદોનાં વમળ વચ્ચે ફસાયું છે. એમની તેજાબી અને પ્રભાવશાળી વાણી પર અનેક પ્રશ્નાર્થો ખડા થયા છે. હાલ તેઓ વિદેશયાત્રા પર છે અને જે રીતે મુંબઈ પરત ફરીને તેઓ પ્રેસ સાથે વાત કરનાર હતા, તે રદ કર્યા પછી એવું લાગે છે કે તેઓ આ વાતાવરણમાં ભારત તરત પાછા ફરતા પહેલાં બે વાર વધુ વિચાર કરશે.

એમના પર આક્ષેપ એ છે કે તેમનાં પ્રવચનોથી નવયુવકો હિંસક માર્ગ અપનાવે છે. બાંગ્લાદેશમાં થયેલી સામૂહિક હત્યાના હત્યારાઓમાંના બે જણા ડો. ઝાકીરથી પ્રભાવિત થયા હતા. હૈદરાબાદમાંથી પકડાયેલો એક શખ્સ પણ ડૉ. ઝાકીરનો પ્રશંસક છે. જુદી જુદી તપાસ એજન્સીઓ દ્વારા ૨૦૦૬થી આજ સુધી દેશ અને દુનિયામાં થયેલી કેટલીય આતંકવાદી ઘટનાઓમાં પકડાયેલાઓ પૈકી ઘણાં તેના પ્રશંસક નીકળ્યા છે. સરકારની ઊંઘ ઉડાડી દે એવી ખબર એ પ્રાપ્ત થઈ છ કે ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસમાં જોડાયેલા ભારતીય યુવકો એ બધા જ ડૉ. ઝાકીરના અનુયાયીઓ છે ! ડૉ. ઝાકીરનું કહેવું એવું છે કે મારાં પ્રવચનો સાંભળીને કોઈ ગુનાખોરીનો માર્ગ પકડતો હોય તો તેમાં હું દોષિત નથી ! એક વધુ આશ્ચર્યની વાત એ છે કે ડૉ. ઝાકીરના સમર્થકો અને પ્રશંસકોમાં માત્ર મુસ્લિમ જ નહીં, અન્ય ધર્મોના લોકો પણ છે. અલબત્ત, ડૉ. ઝાકીરની શૈલી વિવાદાસ્પદ રહી છે તે તર્કના આધારે અર્ધસત્યોને સત્યની કક્ષામાં મૂકી બતાવે છે.

તેમની વાત ગળે ઉતારવાની તરકીબ અજીબ છે. બ્રિટન અને કેનેડાએ તો તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો જ છે, જ્યારે મલેશિયા જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશે તેમનાં પ્રવચનો પર પ્રતિબંધ લગાવેલો છે. ભારતમાં તેના Peace Tv પર ૨૦૧૨થી પ્રતિબંધ મુકાયેલો છે. આમ છતાં હજુ કેટલાય કેબલ ઓપરેટરો છૂપી રીતે Peace Tv બતાવે છે, કારણ કે તે ખૂબ જોવાય છે! ડૉ. નાઈકે ૧૯૮૦માં દાકતરીની પરીક્ષા પાસ કરેલી અને તબીબ પિતા સાથે જ વ્યવસાયમાં જોડાઈ ગયેલા.

એ અરસામાં તેમનો સંપર્ક દક્ષિણ આફ્રિકાના ઈસ્લામ ધર્મના પ્રચારક અહેમદ દીદાત સાથે થયેલો. દીદાત ઈસ્લામનો સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે પ્રચાર કરતા હતા. ડૉ. ઝાકીર તેમનાથી અત્યંત પ્રભાવિત થતા હતા. ૧૯૯૧માં ડૉ. ઝાકીરે ‘ઈસ્લામ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના ડોંગરીના એક નાનકડા મકાનમાં કરી, ત્યાં જ મદરેસા ચલાવે અને ધાર્મિક પ્રવચનો પણ ત્યાં જ આપે.

સ્વાનુભવે એમને સમજાઈ ગયું કે નવયુવાનો અને ખાસ કરીને સામાન્ય માણસનું કઈ રીતે બ્રેનવૉશ કરી શકાય છે. ધીમેધીમે તેઓ એટલા અસરકારક બનતા ગયા કે તેમના દુશ્મનો પણ તેમનાથી દંગ રહી જતા. ડૉ.ઝાકીરનું માનસઘડતર કઈ રીતે થયું તેના પર વિચાર કરીએ તો તેઓ યુવા વિદ્યાર્થી હતા, એ ૧૯૭૦થી ૮૦ના સમયગાળાની વૈશ્વિક ઘટનાઓ પર નજર નાખવી પડે. તે સમયે સાંસ્કૃતિક-સામાજિક સ્તરે ઘણી મોટી ઉથલપાથલો હતી. ભારતથી ગયેલા પંડિત રવિશંકરે બીટલ્સના જ્યોર્જ હેરિસન સાથે જુગલબંધી કરીને કહ્યું હતું કે અમારા ધર્મો અને મિજાજ ભલે જુદા હશે, પરંતુ ધ્યેય એક છે.

બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના નવયુવાનોમાં ખાસ પ્રકારનો જુસ્સો, કેટલોક ગુસ્સો અને ઉતાવળિયાપણું જોવા મળતું હતું. હિપ્પીવાદ લોકપ્રિય હતો. મુસ્લિમ યુવાન ૧૯૪૮માં ઈઝરાયેલની રચના પછી જે રીતે સતત આક્રોશમય હતો તે યાસર અરાફત જેવા નેતાઓના સમર્થનમાં આવતા હતા. ઈરાનની ઈસ્લામિક ક્રાંતિએ ધાર્મિક ઉન્માદનો નવો ચહેરો વિશ્વ સમક્ષ રજૂ કરી દીધેલો. જેહાદ શબ્દની નવી વ્યાખ્યા આકાર લઈ રહી હતી. આ જ સમયમાં રશિયાની સેનાએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો હતો. આવી ઘટનાઓએ દુનિયાભરના મુસ્લિમ યુવાનોમાં એક પ્રકારનો આક્રોશ ભર્યો હતો.

બીજી તરફ આફ્રિકા અને એશિયાના દેશોમાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્મપરિવર્તન કરાવવામાં સક્રિય બની ગઈ હતી અને આરબ દેશોથી આવતા અમીરો હિંદુ દલિતોને પોતાની તરફ આકર્ષવામાં પ્રયત્નરત હતા. ૧૯૮૧ની એક ઘટનામાં તામિલનાડુના મિનાક્ષીપુરમના લગભગ ૩૦૦ દલિતોએ ઈસ્લામ અંગિકાર કરતાં હિંદુવાદી સંગઠનો ચોંકી ઊઠ્યાં હતાં.

આવા સમયે ડૉ.ઝાકીરનું માનસઘડતર જે રીતે થયું તે તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ કડકડાટ અંગ્રેજી બોલીને વૈશ્વિક સ્તરની ઓળખ બનાવી રહ્યા છે. આજે જ્યારે આખી દુનિયા આતંકવાદથી પરેશાન છે ત્યારે ડૉ.ઝાકીર જો તે માર્ગે યુવાનોને ઉશ્કેરણી ન કરતા હોય તો તેમણે સામે ચાલીને આ બધી સ્પષ્ટતા કરવી પડે. પોતાનાં પ્રવચનોમાં અને નીતિ તથા નિયતની સાફસૂથરી શૈલી વિકસાવવી પડે. અન્યથા કાયદો ભલે કદાચ તેમનું કશું ન બગાડી શકે, પરંતુ ભારતનો સમાજ તેમને પોતાનાથી અલગ જ કરી દેશે.

You might also like