અફ‌ઘાનિસ્તાનમાં તા‌િલબાન પર હવાઈ હુમલાઃ ર૬ આતંકવાદીઓનો ખાતમો

કાબુલ, શુક્રવાર
અફ‌ઘાનિસ્તાનના દ‌િક્ષણ-પૂર્વ ગઝની પ્રાંતમાં તાલિબાન પર કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ર૬ આતંકીઓનો ખાતમો બોલી ગયાે હોવાના સમાચાર છે. ખામા પ્રેસના જણાવ્યા અનુસાર પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા મોહંમદ આરીફ નૂરીએ મૃત્યુના આ આંકડાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ હવાઇ હુમલામાં ર૦થી વધુ આતંકીઓ ઘાયલ પણ થયા છે, જોકે હજુ સુધી આ અંગે તા‌િલબાન દ્વારા કોઇ નિવેદન બહાર આવ્યું નથી.

દરમિયાન અફઘાનિસ્તાને પાડોશી દેશ પાકિસ્તાનને એ બાબતના પુરાવા આપ્યા છે કે તાજેતરમાં થયેલા કેટલાય હવાઇ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને પાકિસ્તાનમાં જ તાલીમ આપવામાં આવી હતી. અફઘાનિસ્તાને એ વાતના પણ પુરાવા આપ્યા છે કે તા‌િલબાનના નેતાઓને પાકિસ્તાનમાં બેરોકટોક ફરવા દેવામાં આવે છે. અફઘાનિસ્તાનના ગૃહપ્રધાને આ વાતની જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઝની દેશના દ‌િક્ષણ-પૂર્વ ભાગના હિંસાગ્રસ્ત પ્રાંતમાં સામેલ છે. તાજેતરના હવાઇ હુમલા તા‌િલબાન અને બીજાં આતંકી સંગઠનો વિરુદ્ધ જારી કરવામાં આવેલ અભિયાનના ભાગરૂપ હતા. અફઘાનિસ્તાનમાં આતંકીઓની હાજરી દુનિયાના કેટલાય દેશ માટે ચિંતાનો વિષય છે. વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરુદ્ધના જંગમાં આ સૌથી મોટો પડકાર છે.

અફઘાનિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓને લઇ પાડોશી દેશ પાકિસ્તાન પણ ખાસ કરીને અમેરિકા અને ભારતના નિશાન પર છે. અમેરિકાને ભારતે પાકિસ્તાન પર તા‌િલબાનના આતંકીઓને આશ્રય આપીને તેમને તાલીમ આપવા અંગેના આક્ષેપ કર્યા છે. તાજેતરમાં પોતાના પ્રથમ સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આઇએસનો ખાતમો નહીં થાય ત્યાં સુધી આતંકવાદ વિરુદ્ધ અમારો જંગ જારી રહેશે.

અફઘાનિસ્તાનના ગૃહપ્રધાન વઇસ અહમદ બરમકે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એક દિવસ અગાઉ યોજાયેલી બેઠકમાં તા‌િલબાનને પાકિસ્તાન દ્વારા આપવામાં આવતી તાલીમ અંગેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઇન્ટેલિજન્સ વિભાગના વડા માસૂમ સ્ટાનેકજઇએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા હતા. આ બેઠકમાં પાકિસ્તાનના ટોચના લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર અધિકારીઓ પણ હાજર હતા.

You might also like