શંકાશીલ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું વિકૃત પિતાએ પુત્રીને મોતને ઘાટ ઉતારી

અમદાવાદ: વિજાપુર અને ભાવનગર પંથકમાં હત્યાના બે બનાવ બનતા પોલીસે ગુના દાખલ કરી સઘન તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગે વિગત એવી છે કે, વિજાપુર નજીક આવેલા તાતોસણ ગામમાં રહેતા ભરતજી નામના યુવાનનાં સોનલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

ભરતને તેની પત્ની સોનલના ચારિત્ર્યની શંકા હતી. આ જ ગામના યુવાન સાથે સોનલને પ્રેમસંબંધ હોવાની શંકાથી ભરત પીડાતો હતો. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. દરમ્યાનમાં ફરી ઝઘડો થતા ઉશ્કેરાયેલા ભરતે સોનલનું ગળું દબાવી દઇ હત્યા કરી નાખી હતી. આ અંગે સોનલનાં ભાઇ અજમલજીએ વસઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ભરતજી ઠાકોર સામે ખૂનનો ગુનો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મામસા ગામે એક નરાધમ પિતાએ પોતાની ૧૭ વર્ષીય પુત્રીને સખત માર મારી મોતને ઘાટ ઉતારી હતી. મામસામાં રહેતા જગદીશ ચૂડાસમાએ તેની ૧૭ વર્ષની પુત્રીને ચાર દિવસ અગાઉ ઢોર માર મારતા પુત્રીને ગંભીર હાલતમાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ અંગે માતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી ફરાર પિતાની સઘન શોધખોળ આરંભી છે. જોકે આ ઘટના બનવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી પોલીસને જાણવા મળી શક્યું નથી.

You might also like