પગમાં ટેગ અને એરેબિક લખાણ સાથેનું શંકાસ્પદ કબૂતર મળી આવતાં ખળભળાટ

પેટલાદ: પેટલાદ તાલુકાના પંડોળી ગામેથી આજે એક શંકાસ્પદ કબુતર મળી આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કબૂતરનો કોઈ જાસુસી માટે તો ઉપયોગ કરાઈ રહ્યો નહોતોને તેની તપાસ આરંભાઈ છે. કબુતરના પગ ઉપર ટેગ તેમજ પાંખો ઉપર એરેબિક ભાષામાં લખાયેલું લખાણ મળી આવ્યું છે જેની વિસ્તૃત તપાસ હાથ ઘરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૫મી તારીખના રોજ બપોરના સુમારે પંડોળી ગામે રહેતા રાજુભાઈ ભુપતભાઈ સોલંકીના ઘર પાસેથી એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતુ. આ કબૂતરને રસિકકુમાર રમેશચન્દ્ર પટેલે જોતાં જ તેને પકડીને પેટલાદમાંં આવેલા પશુ દવાખાને લઈ જવામાં આવ્યું હતુ.

પશુચિકિત્સક ડો. દશરથભાઈએ પોલીસને જાણ કરતાં જ પોલીસ આવી ચઢી હતી અને કબૂતરનો કબ્જો લઈને તપાસ કરતાં ડાબા પગે ટેગ નંબર ૦૯૨૧/૩૫૭૮૬૭ તથા જમણા પગે પીપીઅં. ૨૦૧૬ ૬૨૪૩૧ મારેલી મળી આવી હતી. આ ઉપરાંત કબુતરની ડાબી પાંખ ઉપર પણ વિચિત્ર લખાણ લખેલાનું માલુમ પડ્યું હતુ.

કબુતર એકદમ તંદુરસ્ત હાલતમાં છે અને કોઈ બિમારી નથી જેથી પોલીસે જાણવા જોગ નોધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પીએસઆઈ ચૌહાણના જણાવ્યા અનુસાર મળી આવેલું કબુતર રાજુભાઈ સોલંકીના ઘરે રાત્રે આવી જતું હતુ અને દિવસે પરત જતુ રહેતું હતુ.

કબૂતરનો જાસુસી માટે ઉપયોગ કરાતો હતો કે કેમ તેની તપાસ ચાલુ છે : ડીએસપી
પંડોળીમાંથી મળી આવેલા શંકાસ્પદ કબૂતરનો કોઈ જાસુસી માટે ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ તેની તપાસ હાથ ઘરાઈ હોવાનું ડીએસપી સૌરભસિંઘે જણાવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે અગાઉ પણ ભાવનગરમાંથી આવું જ એક શંકાસ્પદ કબુતર મળી આવ્યું હતુ જેની તપાસ કરતાં કાંઈ વાંધાજનક મળી આવ્યુ નહોતુંં.

કબુતરના બન્ને પગોએ ટેગ મારેલી મળી આવી છે જેથી એવુ પણ બની શકે છે કે કોઈએ આ કબુતરને પાળ્યુ હશે અને તેની ઓળખ માટે ટેગ મારી હતી. જો કે પાંખ ઉપરથી એરેબિક ભાષા જેવું લખાણ મળી આવ્યું છે જેને ઉકેલવાની દિશામાં કવાયત હાથ ઘરવામાં આવી છે. જો કે હાલના તબક્કે કાંઈ વાંધાજનક હોય તેવું લાગતુ નથી પરંતુ એફએસએલ અને ગુપ્તચર વિભાગ દ્વારા તેની તપાસ કરાવાઈ રહી છે.

You might also like