પાકિસ્તાનને બેવડો મારઃ હવે ઈરાનનો બલુચિસ્તાન પર હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાન માટે 28 અને 29 સપ્ટેમ્બરની રાત બેવડી મુસીબત સમાન સાબિત થઈ હતી. એક તરફ ભારતીય સેનાના જવાનોએ પીઓકેમાં ઘૂસી જઈને 38 આતંકવાદીઓને ઠાર કર્યા હતા તે જ સમયે પાકિસ્તાનની પશ્વિમ સરહદ પર આવેલા બલુચિસ્તાનમાં પણ ઈરાને મોર્ટાર છોડીને હુમલો કર્યો હતો.
એક તરફ ભારતના જવાનોએ બુધવારે મધરાત બાદ પીઓકેમાં આવેલા સાત આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 38 ત્રાસવાદીને ઠાર કર્યા હતા. ત્યારે બીજી તરફ ઈરાનના બોર્ડર ગાર્ડસે સરહદ પારથી બલૂચિસ્તાનમાં ત્રણ મોર્ટાર છોડ્યા હતા. આ ઘટના પંજગુર જિલ્લાની છે. જ્યાં ફાયરિંગ બાદ આ વિસ્તારમાં ભારે દહેશત વ્યાપી જવા પામી હતી. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર આ હુમલામાં બે ગોળા ફ્રન્ટિયર કોરની ચેકપોસ્ટ નજીક પડ્યા હતા. અને ત્રીજો ગોળો કિલ્લી કરીમ દાદમાં પડ્યો હતો.

ઈરાને કરેલા મોર્ટારના હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનાથી ઈરાન-પાકિસ્તાનની સરહદ પર તંગદિલી વધી ગઈ છે. ફ્રન્ટિયર કોરના જવાનોએ હાલ આ અંગે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. અને આ હુમલાની ઘટના બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે 900 કિલોમીટરની સરહદ આવેલી છે. બંને દેશ એકબીજા પર સરહદ પારથી ફાયરિંગના આક્ષેપ કરી રહ્યા છે. સરહદી વિસ્તારમાંથી આતંકવાદીઓનો સફાયો કરવાના મુદે બંને દેશ વચ્ચે 2014માં એક સમજૂતી પણ થઈ હતી. જેની હેઠળ આવી ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી છે. ઈરાનના આવા હુમલા અંગે એક અધિકારીએ જણાવ્યું કે ઈરાનની સેના દ્વારા ત્રણ મોર્ટાર ફેંકવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. પરતું મોર્ટાર છોડવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં રહેતા લોકો ડરી ગયા હતા. બીજી તરફ બલુચિસ્તાનમાં તહેનાત સેનાએ તાબડતોબ આ હુમલા સામે વળતો પ્રહાર કરતા સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.

You might also like