ડબલ મર્ડર કેસ: રાજકોટમાં PI સહિત પાંચ પોલીસોની ધરપકડ

રાજકોટ: કુખ્યાત અપરાધી શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાના ડબલ મર્ડર કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આજરોજ થોરાળાના પીઆઈ સુખવિંદરસિંહ ગડ્ડુ, પીએસઆઇ એસ. બી. સોલંકી, કોન્સ્ટેબલો અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને હિતેશ પરમાર એ પાંચ પોલીસોની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીની રાત્રે લૂંટની ભાગ પાડવા બાબતે શક્તિ અને પ્રકાશની ગેંગ વચ્ચે થયેલી મારામારીમાં બંનેનાં મોત નિપજ્યા હતા. જો કે શક્તિની માતા નીતાબેન અને પ્રકાશના પિતાએ પેંડા સહિતના આરોપીઓને પોલીસે ધ્રાંગધ્રાથી ઉઠાવી માર મારી હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો.

પ્રકાશના પિતા દેવરાજભાઇ લુણાગરિયાએ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરે ધ્રાંગ્રધ્રાના પોલીસ અધિકારી વી.આર. ચૌધરીએ દારૂની રેડ કરીને પુત્ર પ્રકાશ અને શક્તિ ઉર્ફે પેંડા સહિત 7 શખ્સને પક્ડયા હતા. આ પૈકી 2 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બાકીના શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાંચને સોંપાયેલા શખ્સોમાં પ્રકાશ લુણાગરિયા, શક્તિ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા, કાદર નિયામત મલેક, પ્રકાશ રણછોડભાઇ પરમાર, યુવરાજસિંહ લાલુભા ઝાલા હોવાનું તેમણે જણાવ્યું હતું. પકડાયેલા શખ્સોને રાજકોટ લાવતાં પહેલા ધ્રાંગધ્રામાં ઢોરમાર મારી સરઘસ કાઢવામાં આવ્યું હતું તેવો આક્ષેપ પણ કરાયો હતો.

થોરાળામાં માર મારતી વખતે પીઆઇ ગડુએ પેંડાના કાન પાસે રિવોલ્વર રાખી ફાયરિંગ કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. કોર્ટમાં કરેલી અરજીમાં પુત્રની હત્યામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી, પીએસઆઇ કે.કે.જાડેજા, પીએસઆઇ કાનમિયા, ભક્તિનગરના પીઆઇ વી.કે. ગઢવીનાં નામ દર્શાવાયાં હતાં.

આ ઉપરાંત થોરાળાના પીઆઇ ગડુ, ધ્રાંગધ્રાના પોલીસ અધિકારી વી.આર.ચૌધરી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત તપાસમાં ખૂલે તે અન્ય અધિકારી, કર્મચારીઓની સંડોવણી હોવાની દ્રઢ શંકા દર્શાવી હતી. પ્રકાશના પિતા તથા અને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી લાશ સ્વીકારવાની ના પણ પાડી દીધી હતી. બાદમાં કલેક્ટરે તપાસની ખાત્રી આપતાં લાશ સ્વીકારાઇ હતી. ગત રવિવારે પોલીસે આ કેસના ત્રણ આરોપીઓ સમક્ષ 35 પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ત્રણ પૈકી એક આરોપીએ થોરાળાના પીઆઇ એસ.એન.ગડુને ઓળખી બતાવ્યા હતા.

You might also like