ઇન્ડીયા સામેની પ્રથમ ટેસ્ટમાં સ્પિનર દેવેન્દ્ર બિશૂની બેવડી સદી!

728_90

રાજકોટઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમેચ દરમિયાન વિન્ડીઝના સ્પિનર દેવેન્દ્ર બિશૂએ એક ના ગમે તેવો રેકોર્ડ બનાવી દીધો છે, જેને તે ભવિષ્યમાં ક્યારેય યાદ કરવા નહીં ઇચ્છે. બિશૂએ ભલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હોય, પરંતુ આ વિકેટો ઝડપવા માટે તેણે ૨૧૭ રન લૂંટાવી દીધા. આમ બિશૂએ બોલિંગમાં બેવડી સદી ફટકારી દીધી!

આવું કરનારો તે વિન્ડીઝનો બીજો બોલર બની ગયો છે, જેણે એક ઇનિંગ્સમાં સૌથી વધુ લૂંટાવી દીધા હોય. ૫૪ ઓવરમાં પાંચ મેઇડન, ૨૧૭ રન અને ચાર વિકેટનો સ્પેલ બિશૂએ કરીને ૧૫ વર્ષ જૂના વિન્ડીઝના જ બોલર ઓમારી બેન્ક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. બેન્કે ઓસ્ટ્રેલિયા સામે બ્રિજટાઉનમાં ૨૦૪ રન લૂંટાવ્યા હતાં.

એક ઇનિંગ્સમાં સૌથી ખર્ચાળ બોલર મામલે બિશૂ વિશ્વમાં ૧૭મો બોલરઃ
બિશૂ ૨૧૭ રન આપી વિશ્વમાં સૌથી ખર્ચાળ બોલરની યાદીમાં ૧૭માં નંબર પર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાનાં ફ્લીટવૂડ સ્મિથના નામે છે. સ્મિથે ૧૯૩૨૮માં ધ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમતા ૮૭ ઓવરમાં ફક્ત એક જ વિકેટ ઝડપીને ૨૯૮ રન લૂંટાવી દીધા હતાં.

ભારત તરફથી સૌથી વધુ ખર્ચાળ બોલર રાજેશ ચૌહાણઃ
એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન લૂંટાવવાનો ભારતીય રેકોર્ડ સ્પિનર રાજેશ ચૌહાણના નામે છે. ૧૯૯૭માં શ્રીલંકા સામેની મેચ દરમિયાન જ્યારે જયસૂર્યાએ રેકોર્ડ ૩૪૦ રનની ઇનિંગ્સ રમી હતી ત્યારે ભારતીય સ્પિનર રાજેશ ચૌહાણે પોતાની ૭૮ ઓવરમાં એક વિકેટ ઝડપીને ૨૭૬ રન ખર્ચી નાખ્યા હતા. વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ બોલરની યાદીમાં રાજેશ ચૌહાણ બીજા ક્રમ પર છે.

કપિલદેવે પણ ૨૨૦ રન લૂંટાવ્યાં હતાં:
જો કોઈ બોલર દ્વારા સૌથી ખરાબ ઇકોનોમી રેટથી ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં ૨૦૦થી વધુ રન આપવાની વાત કરવામાં આવે તો એમાં કપિલદેવનું નામ ટોચના સ્થાને છે. કપિલે ૧૯૮૩માં પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સાત વિકેટ જરૂર ઝડપી હતી, પરંતુ તેના માટે કપિલે ૫.૬૮ના ઇકોનોમી રેટથી રન લૂંટાવી દીધાં હતાં. કપિલનો બોલિંગ સ્પેલ ૩૮.૪ ઓવર, ત્રણ મેઇડન, ૨૨૦ રન, સાત વિકેટનો રહ્યો હતો.

You might also like
728_90