ઉત્તર ભારતમાં વરસાદ-બરફ વર્ષાનો ‘ડબલ એટેક’: 26 જાન્યુઆરી સુધી ઠંડી થિજાવશે

(એજન્સી) નવી દિલ્હી: પંજાબ, હરિયાણા અને રાજધાની દિલ્હી-એનસીઆર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હવામાન ઓચિંતું પલટી ગયું છે અને ઉત્તર ભારતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ ઉપરાંત કેટલાંક રાજ્યોમાં કરા પણ પડ્યા છે અને હરિયાણા સહિતના રાજ્યોમાં પાકને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં આજે સવારથી જ હવામાને મોટો પલટો લીધો છે. સવારે નવ વાગ્યાથી જ દિલ્હીમાં વાદળો છવાઈ જતાં ધોળા દિવસે ગાઢ અંધકાર થઈ ગયો હતો. અનેક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડ્યા છે. આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સુધી હજુ દિલ્હીમાં હવામાન આ પ્રકારનું જ રહેશે અને વરસાદ પણ પડતો રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૫ જાન્યુઆરીની સાંજથી વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગના અધિકારીઓએ આગાહી કરી છે કે, ઉત્તરીય ક્ષેત્રના મેદાની વિસ્તારો, દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડી પડશે. ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ મોડી સાંજે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ૨૬ જાન્યુઆરી સુધી આવી જ કડકડતી ઠંડીનો માર સહન કરવો પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈ કાલે સોમવારે કાશ્મીરના ઊંચા પહાડી વિસ્તારોમાં ફરીથી જોરદાર બરફ વર્ષા થઈ હતી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના વિજ્ઞાની કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આજે અને આવતી કાલે કાશ્મીર અને ઉત્તરાખંડમાં મધ્યમથી ભારે વરસાદ અને હિમ પ્રપાતની શક્યતા હોવાથી ચેતવણી જારી કરવામાં આવી છે. તેની અસર દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ જોવા મળશે.

દિલ્હીથી કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી હવામાને અચાનક જ યુ-ટર્ન લેતાં લોકોનું સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે, દહેરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથૌરાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે બરફવર્ષા થઈ શકે છે. સ્થાનિક તંત્રને ૨૪ કલાક એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. મસૂરી, નૈનિતાલ, મુક્તેશ્વર અને રાનીખેતમાં કરા પડ્યા છે અને અનેક રસ્તાઓ બરફ વર્ષાને કારણે બંધ થઈ ગયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે.

કેદારનાથમાં પણ ભારે બરફ વર્ષા થઈ રહી છે. અહીંનું તાપમાન માઈનસ છ ડિગ્રી થઈ જતાં તંત્ર દ્વારા લોકોને અને પ્રવાસીઓને તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. કેદારનાથ ધામમાં બે બે ફૂટ બરફ જામી ગયો છે અને મોટાભાગના રસ્તાઓ બંધ છે. દહેરાદૂનમાં તમામ સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રોમાં બે દિવસ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સાથે સાથે હેમકુંડ સાહિબમાં છેલ્લા બે દિવસથી જોરદાર બરફવર્ષા થઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં બરફવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ૨૭૦ કિલોમીટર લાંબા હાઈવે પર બે ફૂટ સુધી બરફ જામી ગયો છે અને હાલ હાઈવે ક્લીયર કરાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

પરિવહન વિભાગે યાત્રીઓને જમ્મુ અને શ્રીનગરમાં હેલ્પલાઈનમાંથી સ્થિતિની જાણકારી મેળવ્યા વગર કોઈ મુસાફરી ન કરવાની અપીલ કરી છે. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટાભાગની ફ્લાઈટ સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે અને કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાની ફરજ પણ પડી છે. ભારે વરસાદ અને લો વિઝિબિલિટીના કારણે ૧૧થી વધુ ફ્લાઈટના મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.

You might also like