પંજાબમાં હવે સરકારી ભરતી પહેલાં ડોપ ટેસ્ટ ફરજિયાત

નવી દિલ્હી: ડ્રગ્સ અને નશાના કારણે બદનામ થયેલા પંજાબના નશા પર પૂર્ણવિરામ મૂકવાની તૈયારીઓ પંજાબ સરકારે શરૂ કરી દીધી છે. ડ્રગ ચોરોને ફાંસીની સજા આપવાની જોગવાઇના પ્રસ્તાવ બાદ કેપ્ટન અમરિન્દરસિંહે તમામ સરકારી સેવાઓમાં કર્મચારીઓની ભરતી પહેલાં ડોપ ટેસ્ટ અનિવાર્ય કરી દીધો છે. એટલું જ નહીં નિયુકિત બાદ પણ સેવા દરમિયાન દરેક સ્તરે કર્મચારીઓનો ડોપ ટેસ્ટ થશે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યમાં નશાની લતને લઇને ચિંતા વ્યકત કરવાની સાથે જ ગઇ કાલે. આ મહત્ત્વની જાહેરાત કરી છે. કેપ્ટને સરકારી કર્મચારીઓ અને પોલીસમાં ભરતી પહેલાં ડોપ ટેસ્ટ અનિવાર્ય કરવાના આદેશ આપ્યા છે. આદેશ મુજબ સરકારી સેવામાં ભરતીના દરેક સ્તર પર આ ટેસ્ટ અનિવાર્ય હશે. આ અંગે સીએમએ મુખ્ય સચિવને કેટલાક સુધારા કરવાના આદેશ પણ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ખૂબ જ જલદી તેનું નોટિફિકેશન જારી કરાશે. ખાસ વાત એ છે કે નિયુકિત બાદ પણ પોલીસ કર્મચારીઓ સહિત તમામ સરકારી કર્મચારીઓનો સેવાના પ્રત્યેક તબક્કામાં ડોપ ટેસ્ટ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં નશાની તસ્કરી પર લગામ માટે પંજાબ સરકારે મોટો નિર્ણય લેતાં ડ્રગ તસ્કરોને ફાંસીની સજા આપવાનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. જો કેન્દ્ર આ પ્રસ્તાવને મંજૂરી આપશે તો પ્રદેશમાં નશાનો ધંધો કરનાર લોકો પર સખત કાર્યવાહી થશે. અમરિન્દરસિંહે કહ્યું કે ડ્રગ તસ્કરોએ અહીંના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે.

You might also like