ડોપ ટેસ્ટઃ ૨૦૧૨માં ગોલ્ડ જીતનારી ત્રણ એથ્લીટ પર પ્રતિબંધ મૂકી દેવાયો

લુસાનઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ લંડન ઓલિમ્પિક-૨૦૧૨ના એન્ટી ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહેલા આઠ એથ્લીટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમાં કઝાકિસ્તાનના ગોલ્ડ મેડલ જીતનારા ત્રણ એથ્લીટ સામેલ છે. આઇઓસીએ ઓલિમ્પિક એજન્ડા-૨૦૨૦ માટે બનાવેલા રોડમેપમાં એથ્લીટ્સની સ્વચ્છ છબિ અને ડોપિંગ વિરુદ્ધની લડાઈને ટોચની પ્રાથમિકતા આપી છે. ચાર એથ્લીટ પાસેથી સિલ્વર મેડલ અને બે એથ્લીટ પાસેથી બ્રોન્ઝ મેડલ છીનવી લેવામાં આવ્યા છે. આ મેડલ વેઇટલિફ્ટિંગ, કુસ્તી અને મહિલાઓની સ્ટીપલચેઝમાં જીતવામાં આવ્યા હતા. આ બધા ખેલાડીઓના લોહીના નમૂનામાં પ્રતિબંધિત સ્ટિરોઇડની માત્રા વધુ પ્રમાણમાં મળી આવી હતી. ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકના જે ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેમનાં નામ છે…

* ૨૩ વર્ષની એથ્લીટ ઝુલ્ફિયા વિન્શેનલો (ગોલ્ડ મેડલ, કઝાકિસ્તાન)
* ૩૨ વર્ષના હેમર થ્રો સ્પર્ધક કિરિલ ઇકોનિકોવ (રશિયા)
* ૩૦ વર્ષની ૬૩ કિ.ગ્રા. વર્ગની વેઇટલિફ્ટર મેયા મનેઝા (ગોલ્ડ મેડલ, કઝાકિસ્તાન)
* ૩૦ વર્ષની ૭૫ કિ.ગ્રા. વર્ગની વેઇટલિફ્ટર સ્વેતલાના પોડોબિડોવા (ગોલ્ડ મેડલ, કઝાકિસ્તાન)
* ૨૬ વર્ષની ૬૯ કિ.ગ્રા. વર્ગની વેઇટલિફ્ટર ડિઝિના સઝાનાવેત્સ (બેલારૂસ)
* ૨૬ વર્ષની ૬૯ કિ.ગ્રા. વર્ગની વેઇટલિફ્ટર મરીના શરમેનકોવા (બ્રોન્ઝ મેડલ, બેલારૂસ)
* ૩૦ વર્ષના પોલ વોલ્ટ સ્પર્ધક દિમિત્રી સ્તારોડબત્સેવ (રશિયા)
* ૨૯ વર્ષના +૧૦૫ કિ.ગ્રા. વર્ગના પુરુષ વેઇટલિફ્ટર યોહેની ઝારનેસેક (બેલારૂસ)

You might also like