ગૃહિણીઓ સિસોટી વાગવાની રાહ જોશે ડોર ટુુ ડમ્પ પ્રોજેક્ટ ગેટ ટુ ડમ્પ બન્યો

અમદાવાદ: મ્યુુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રૂ.૬૦ કરોડથી વધુ રકમ ઘરે ઘરેથી કચરો એકત્રિત કરીને પિરાણા ડમ્પ સાઇટ પર ઠાલવવાની ડોર ટુ ડમ્પ યોજના પાછળ ખર્ચાઇ રહી છે. તેમ છતાં તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને હેલ્થ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ઠેર ઠેરથી વ્યાપક ફરિયાદો ઊઠી છે.

એક પ્રકારે સમગ્ર પ્રોજેક્ટ ગેટ ટુ ડમ્પ બનતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કચરાની ગાડીનો કોઇ વાર-સમય નિશ્ચિત ન હોઇ ગૃહિણીઓ માટે કચરાની ગાડીના ડ્રાઇવરની સિસોટીના અવાજની રાહ જોતી બેસી રહેવાના માઠા દિવસો આવી રહ્યા છે.

ડોર ટુ ડોરની કામગીરી માટેની કચરાની ગાડીનો રૂટ નક્કી કરાયો છે. આ રૂટ પરનાં સ્થળોને ‘પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકેની ઓળખ અપાઇ છે, પરંતુ આ સ્થળોએ કચરાની ગાડી પૂરતા સમય સુધી રોકાતી નથી તેેમજ અનેક સ્થળોને આવરી લેતી ન હોઇ ગૃહિણીઓ તોબા પોકારી ઊઠી છે. ખુદ શાસક ભાજપના કોર્પોરેટરોની ઉગ્ર રજૂઆતના પગલે તંત્ર દ્વારા ‘પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’નાં સ્થળોની સંખ્યા વધારવાનો તેમજ ઝોનદીઠ એક વોર્ડમાં થર્ડ પાર્ટી દ્વારા ડોર ટુ ડોરની કામગીરીનું ઇન્સ્પેક્શન કરાવાનો નિર્ણય લેવાયો છે.

ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરની મનમાનીથી તે હવે ગેટ ટુ ડમ્પ પ્રોજેક્ટ બની ગયો છે. તાજેતરમાં પશ્ચિમ ઝોનમાં જે તે કોન્ટ્રાક્ટરની કચરાની ગાડી સોસાયટીમાં જતી ન હોઇ બારોબાર સોસાયટીના ગેટ પરથી કચરો ઉપાડાઇ રહ્યાનો મામલો ચગ્યો હતો.

શાસક ભાજપના ટોચના હોદ્દેદારો દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાઇ હતી. નવા પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં તો સ્થાનિક કોર્પોરેટર અને રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને કોન્ટ્રાક્ટરના સ્ટાફ સાથે બોલાચાલી પણ થઇ હતી, જેના કારણે કોન્ટ્રાક્ટરનો સ્ટાફ હડતાળ પર ઊતર્યો હતો. બીજી તરફ ઘાટલોડિયાની ગૃહિણીઓએ વોર્ડ ઓફિસમાં કચરો ઠાલવીને રોષ વ્યકત કર્યો હતો.

પરંતુ હવે તો નવા પશ્ચિમ ઝોનની અસંખ્ય સોસાયટીઓને હેલ્થ વિભાગ દ્વારા પત્ર પાઠવીને સોસાયટીનો કચરો ગેટ કે અન્ય એક જગ્યાએ એકત્ર કરવાની તાકીદ કરાઇ છે. વેસ્ટર્ન ઇમેજનરી નામના કોન્ટ્રાક્ટરની કામગીરી ધરાવતા વિસ્તારમાં તંત્રના પત્રથી ભારે ઊહાપોહ સર્જાયો છે, કેમ કે અા તાકીદથી સમગ્ર પ્રોજેક્ટ સત્તાવાર રીતે ગેટ ટુ ડમ્પ બન્યો છે.

નવા પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના પત્રમાં વધુમાં જણાવાયું છે કે જો સોસાયટી દ્વારા આવી વ્યવસ્થા ગોઠવી ન શકાય તેમ હોય તો જ્યારે કચરાની ગાડી સોસાયટીમાં આવે ત્યારે તમામ રહીશોએ પોતાનો કચરો ગાડીમાં આપી દેવાનો રહેશે. આ માટે ગાડીના ડ્રાઇવર દ્વારા ગાડી સોસાયટીની અમુક જગ્યાએ ઊભી રાખીને સિસોટી મારવામાં આવશે અને થોડો સમય રાહ જોવામાં આવશે.

તંત્રના આવા પત્રથી સ્વાભાવિકપણે ગૃહિણીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે, કેમ કે પત્રમાં કચરાની ગાડીના કોઇ નિશ્ચિત સમય કે વારનો ઉલ્લેખ કરાયો નથી. કચરાની ગાડી જે તે સ્થળે પાંચ મિનિટ પણ ઊભી રહેશે કે કેમ તેની જાણકારી આપવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવાઇ નથી.

બીજા અર્થમાં ગૃહિણીઓએ કચરાની ગાડીના ડ્રાઇવરની સિસોટી સાંભળવા સતત કાન સરવા રાખવા પડશે. જો ગાડી કચરો લીધા વગર જતી રહેશે તો તે કચરાને સોસાયટીમાં ગમે ત્યાં કે પછી બહારના રસ્તા પર ફેંકવા માટે ગૃહિણીઓને વિવશ થવું પડશે, કેમ કે સત્તાવાળાઓએ ડસ્ટ‌િબનની વ્યવસ્થાનો ભાર પણ જે તે સોસાયટીના માથે નાખ્યો છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ ડોર ટુ ડોર પ્રોજેકટને સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઇ જવાનો ઉદ્દેશ રાખીને કાર્યરત કરેલી હાલની નવી સિસ્ટમ હેઠળ તંત્રના છ ઝોન માટે ઝોનદીઠ બે કોન્ટ્રાક્ટર મુજબ તમામ કોન્ટ્રાક્ટરને જૂની સિસ્ટમ કરતાં બમણો ભાવ ચૂકવી રહ્યા છે. હાલના કોન્ટ્રાક્ટરના રહેણાકના યુનિટ પણ ઘટાડી દેવાયા છે. તેમ છતાં સમગ્ર પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો.મિલન નાયકને પૂછતાં તેઓ કહે છે કે નવા પશ્ચિમ ઝોનની સોસાયટીઓને આવા પત્ર પાઠવાઇ રહ્યા છે, પરંતુ ગાડીના ડ્રાઇવરને સિસોટી મારીને કચરો એકત્ર કરવાની સૂચના પણ અપાઇ હોઇ નાગરિકોને મુશ્કેલી પડવાની નથી. તેમ છતાં સમગ્ર સોસાયટી કે ફલેટ વિસ્તારમાં ફરીને સિસોટી વગાડી લોકોને સમયસર જાણ કરવા વધારાના કર્મચારીની વ્યવસ્થા કરાશે.

You might also like