ડોર ટુ ડમ્પઃ નવા ટેન્ડરમાં ૫૦ ટકા સુધી પેનલ્ટીની શરત

અમદાવાદ: શહેરમાં ઘરે ઘરેથી દુકાનો-ઓફિસોમાંથી નીકળતા રોજેરોજના ઘનકચરાને એકઠો કરીને પિરાણા ડમ્પ સાઇટમાં નિકાલ કરવા લઇ જનારા ડોર ટુ ડમ્પના હાલના કોન્ટ્રાક્ટર નિરંકુશ બન્યા છે, જેના કારણે ઠેર ઠેર ગંદકીના દર્શન થઈ રહ્યા છે. જોકે તેમની મુદત પૂરી થવાની હોઇ નવા ટેન્ડરમાં ડોર ટુ ડમ્પના નવા કોન્ટ્રેક્ટર ઉપર અંકુશ મૂકવા પ૦ ટકા સુધી પેનલ્ટી કરવાની તૈયારી શાસકોએ બતાવી છે.

શહેરભરમાંથી દૈનિક ૧૪૦૦ મે‌િટ્રક ટન કચરો ડોર ટુ ડમ્પનો છે. પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં જિગર ટ્રાન્સપોર્ટ કંપની સહિતના ચારેય કોન્ટ્રાક્ટરની કામગીરી ક્યારેય સંતોષજનક રહી નથી. ચાલુ વર્ષ ર૦૧૬માં એકલા પશ્ચિમ ઝોનમાં તંત્ર દ્વારા ડોર ટુ ડમ્પનાં ધાંધિયાંથી કોન્ટ્રાક્ટરોને ગત ગત નવેમ્બરના અંત સુધીમાં રૂ.૪૬ લાખ સુધીની પેનલ્ટી ફટકારાઇ છે. સ્ટેડિયમ, પાલડી અને વાસણા વોર્ડમાં કોન્ટ્રાક્ટરને વધુ દંડિત કરાયા છે.

ગત નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬માં મ્યુનિ. સત્તાવાળાઓએ સમગ્ર શહેરના જિગર ટ્રાન્સપોર્ટ, સ્વચ્છતા અભિયાન, ઓમ કોર્પોરેશન અને એટુઝેડ એમ ચારેય કોન્ટ્રાક્ટરોને કુલ રૂ.ર.૦૪ કરોડની પેનલ્ટી ફટકારી હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો નિરંકુશ બન્યા છે, કેમ કે આ કોન્ટ્રાક્ટરોને મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે અધધ એટલે કે રૂ.૩૬ કરોડ ડોર ટુ ડમ્પની કામગીરી પેટે ચૂકવાય છે!

અગાઉ જે તે કોન્ટ્રાક્ટર પાસેથી તેમના માસિક બિલની પ૦ ટકા સુધીની પેનલ્ટી વસૂલાતી હતી. તે વખતે શહેરમાં ડોર ટુ ડમ્પની કામગીરીમાં વધુ બૂમો ઊઠતી ન હતી, પરંતુ છેલ્લાં બે વર્ષથી પેનલ્ટીની રકમ દસ ટકા કરાતાં અમદાવાદીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. દર સ્ટેન્ડિંગ કમિટીમાં ડોર ટુ ડમ્પની કામગીરીની અરાજકતા સામે ખુદ શાસક પક્ષના સભ્યો તંત્ર પર પસ્તાળ પડે છે.

છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં ઇલાબહેન પટેલ ઉપરાંત ગિરીશ પ્રજાપતિએ તો કચરાની ગાડીમાં ડે‌િબ્રજ ભરાયેલું હોય તેની પેનલ્ટીના વિવિધ ઝોનમાં અલગ અલગ માપદંડ સામે તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. ચેરમેન પ્રવીણ પટેલે પણ ડોર ટુ ડમ્પના નવા ટેન્ડર ઝડપથી બહાર પડે તેની સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

દરમ્યાન નવા ટેન્ડરમાં નવા કોન્ટ્રાક્ટરોને પ૦ ટકા સુધીની પેનલ્ટી ફટકારવાની જૂની શરત રખાશે તેવું મેયર ગૌતમ શાહને પૂછતાં ડોર ટુ ડમ્પના ધાંધિયાંથી લાલઘૂમ થયેલા મેયરે સ્પષ્ટપણે કહ્યું કે, “નવા ટેન્ડરમાં પ૦ ટકા પેનલ્ટીની શરત મૂકીને શહેરીજનોને મુસીબતમાં મૂકનારા કોન્ટ્રાક્ટરો ઉપર અંકુશ મુકાશે.
http://sambhaavnews.com/

You might also like