ડોર ટુ ડોર માટે AMC દ્વારા ખાસ મોબાઇલ એપ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરે ઘરેથી કચરાનું એકત્રીકરણ કરવા માટે નવી ‌િસસ્ટમ લાગુ કરાઇ છે અને તે માટે શાસકોએ પાંચ વર્ષના રૂપિયા ૩૮૦ કરોડના જંગી ટેન્ડરને મંજૂર કર્યું છે. જોકે અમદાવાદમાં આજે પણ ડોર ટુ ડોરની કામગીરીમાં અનેક ફરિયાદો ઊઠતી હોઇ નવી સિસ્ટમની ડોર ટુ ડોરની ગાડી પણ પાટે ચઢી નથી.

આના કારણે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સામાન્ય નાગરિકો પણ ડોર ટુ ડોરની કામગીરી સાથે જોડાઇ શકે તે માટે ખાસ મોબાઇલ એપ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. અમદાવાદમાં વર્ષ ર૦૧૦ પહેલાં ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે જન ભાગીદારીને પ્રોત્સા‌િહત કરતાં વિવિધ સખી મંડળો કાર્યરત હતા, પરંતુ તેમાં ગેરરી‌િતઓ થવાની વ્યાપક ફરિયાદના કારણે કોર્પોરેશને ર૦૧૦માં ડોર ટુ ડોરની કામગીરીનું મોટા પ્રમાણમાં ખાનગીકરણ કર્યું હતું.

જિગર ટ્રાન્સપોર્ટ કંપનીને સૌથી પહેલાં નવા પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં ડોર ટુ ડોરનો પાઇલટ પ્રોજેકટનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ પાઇલટ પ્રોજેકટને તંત્ર દ્વારા ઓનપેપર સફળ બતાવીને બાદમાં સાત વર્ષ માટે તમામ ઝોનમાં ડોર ટુ ડોરનું પ્રોજેકટ માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

આ કોન્ટ્રાક્ટરોની કંગાળ કામગીરીથી છેક ગાંધીનગર સુધી ફરિયાદો ઊઠતાં સત્તાવાળાઓએ નવી સિસ્ટમનો અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.  ડોર ટુ ડોરની નવી સિસ્ટમ મુજબ દરેક ઝોનદીઠ બે બે કોન્ટ્રાક્ટરને કામ અપાયું છે અને મ્યુનિસિપલ તિજોરી ઘરે ઘરેથી સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઇ જવા કોન્ટ્રાક્ટરો માટે ખુલ્લી મૂકી દેવાઇ છે.

તેમ છતાં પણ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે પણ ડોર ટુ ડોરની કામગીરી કંગાળ રીતે ચાલી રહી છે. ચાર મહિનાથી નવી વ્યવસ્થા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યું હોવા છતાં પણ પ્રજામાં ભારે અસંતોષ હોઇ ખુદ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર સંબંધિત અધિકારીઓ પર નારાજ થયા છે.

મૂકેશકુમારે ડોર ટુ ડોરની કામગીરી સાથે અમદાવાદીઓને પણ જોડવા ખાસ મોબાઇલ એપ શરૂ કરવાની સંબં‌િધત વિભાગને સૂચના આપી છે. કમિશનરની લાલ આંખ થતાં ડોર ટુ ડોરની કામગીરી પ્રત્યે આંખ આડા કાન કરતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

You might also like