મધ્ય ઝોનમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં પણ કૌભાંડઃ નાગરિકો પરેશાન

અમદાવાદ, બુધવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે છાશવારે એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવે છે. ઘરે ઘરેથી કચરો એકઠો કરીને તેને પીરાણા ડમ્પ સાઈટ પર ઠાલવવાના ડોર ટુ ડમ્પ પ્રોજેક્ટ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરાય છે તેમ છતાં નાગરિકોની ફરિયાદોનો પાર નથી.

આ વખતે નવી સિસ્ટમ મુજબ દરેક ઝોનમાં બે-બે કોન્ટ્રાક્ટર કામગીરી બજાવે છે, પરંતુ હેલ્થ વિભાગના કેટલાક ભ્રષ્ટાચારી સ્ટાફના કારણે ડોર ટુ ડમ્પમાં મસમોટાં કૌભાંડ ચાલે છે. ગઈ કાલે સાંજે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરે મધ્ય ઝોનના ડોર ટુ ડમ્પ કૌભાંડ અંગે ઉગ્ર રજૂઆત કરતાં શાસક ભાજપ પક્ષની બોલતી બંધ થઈ ગઈ હતી.

દરિયાપુરના કોર્પોરેટર હસનલાલા પઠાણે મધ્ય ઝોનની ડોર ટુ ડમ્પની કંગાળ કામગીરી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મધ્ય ઝોનના જે કોન્ટ્રાકટરને તંત્ર દ્વારા સત્તાવાર રીતે કામગીરી સોંપાઈ છે તે કોન્ટ્રાક્ટરના બદલે પેટાકોન્ટ્રાક્ટર કચરો ઉઠાવે છે, તેમાં પણ પોળ વિસ્તારનો કચરો ઉપાડાતો નથી, પરંતુ હોટલ-રેસ્ટોરાંના કચરાથી ગાડી ભરીને તેને ડમ્પ સાઈટ પર ઠાલવવા રવાના કરી દેવાય છે.

હોટલ-રેસ્ટોરાંવાળા પાસેથી કચરો ઉપાડવા નાણાં લેવાય છે, જ્યારે સામાન્ય નાગરિકોનો કચરો લેવા લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવા છતાં ગાડી આવતી નથી. મધ્ય ઝોનના હેલ્થ વિભાગના વડા તેમજ પબ્લિક હેલ્થ સુપરવાઈઝરને આ અંગે ફરિયાદ કરવા છતાં આ કૌભાંડ અટકતું નથી.

કોટ વિસ્તારમાં અનેક પોળ સાંકડી છે. પોળની અંદર પોળ જેવો વસવાટ હોઈ કચરાની છોટા હાથી જેવી ગાડી જઈ શકે તેમ નથી. આ માટે પેડલ રિક્ષા જરૂરી છે, પરંતુ ડોર ટુ ડમ્પના કોન્ટ્રાક્ટરને પેડલ રિક્ષા મૂકવી આર્થિક દૃષ્ટિએ પોષાતી ન હોઈ પેડલ રિક્ષાથી કચરો ઉપાડાતો નથી તેમ જણાવતાં હસનલાલા પઠાણે વધુમાં તંત્રના ‘ભાજપ રાજ’ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે હેલ્થના સ્થાનિક અધિકારીઓ એવા ઢીલા છે કે સફાઈ કર્મચારીઓ પાંચ-પાંચ દિવસ સુધી પોતાને સોંપેલા વિસ્તારની સફાઈ ન કરે તો પણ ચલાવી લે છે.

મધ્ય ઝોનમાં સફાઈ કર્મચારીઓની ખાલી જગ્યા ભરવાની પણ તંત્રને ફુરસદ નથી. પરિણામે ઠેર ઠેર કચરાના ઢગલા થઈ જાય છે. બીજી તરફ સ્વચ્છતા અભિયાનનાં મોટાં મોટાં બણગાં ફૂંકાય છે. દરમિયાન મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ ડોર ટુ ડમ્પના તમામ ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો. હેલ્થ કમિટીના ચેરમેન દિનેશ દેસાઈએ કોટ વિસ્તારની તમામ પોળમાંથી કચરો ઉપાડવા પેડલ રિક્ષા મુકાશે તેવી બોર્ડમાં સઘળા સભ્યને ખાતરી આપતાં જણાવ્યું હતું કે ડોર ટુ ડમ્પના નવા ટેન્ડરમાં કોન્ટ્રાકટરે પેડલ રિક્ષા પણ મૂકવી તેવી શરત હોવાથી તેના પાલન માટે કડકાઈથી કામ લેવાશે.

You might also like