ખાતું ન ખૂલ્યું તો પોતાની બેન્ક શરૂ કરી

આજે પણ દેશમાં એવાં કેટલાંય ગામડાં છે જ્યાં બેન્ક, એટીએમ જેવી વ્યવસ્થા પ્રણાલી નથી. ઘણાં લોકો એવા છે જેમની પાસે નાણાં પણ નથી અને બેન્ક એકાઉન્ટ પણ નથી. એવાં ઘણાં ગામડાં અને ઘણાં લોકો છે જ્યાં પ્રધાનમંત્રી જનધન યોજના બાદ બેન્કમાં એકાઉન્ટ્સ ખૂલ્યાં છે. ખેર, આજે સામાન્ય અને ગરીબ માણસ પાસે પોતાનું એકાઉન્ટ ખોલાવવાની વ્યવસ્થા છે પણ આજથી વીસ વર્ષ પહેલાંના સમયનો વિચાર કરો, ખિસ્સામાં એક રૂપિયો નહીં, વાંચવા-લખવાનું જ્ઞાન નહીં, કોઇ દસ્તાવેજોનાં ઠેકાણાં નહીં એવા સમયે લોકોએ કેવી રીતે બચત કરી હશે અને તેમાં પણ જો એ લોકો મહિલા હોય તો… તો ઔર મુશ્કેલી.

મહારાષ્ટ્રનો સતારા જિલ્લો દુષ્કાળ અને પાણીની સમસ્યા માટે સમગ્ર દેશમાં પંકાયેલો છે. આ જિલ્લામાં માણ તાલુકો આવેલો છે. માણ તાલુકાની નિરક્ષર અને ગરીબ મહિલાઓએ માત્ર માણ તાલુકા જ નહીં પણ સમગ્ર જિલ્લાને ગર્વ અપાવે એવું કામ કરી બતાવ્યું છે. માણ તાલુકાની મહિલાઓ પાસે આજે તેમની પોતાની બેન્ક છે. ૮૦ હજાર મહિલાઓ આ બેન્કની સભ્ય છે અને આજની તારીખે બેન્ક પાસે ૮૮ કરોડ રૂપિયા જમા છે. માણ તાલુકાના મ્હસવડ ગામની મૂળ બેન્ક અને સાત બ્રાન્ચ એમ કુલ મળીને આઠ શાખાઓએ સતારા જિલ્લાની મહિલાઓની જિંદગી બદલી નાખી છે.

માણદેશી બેન્ક ચેતના ગાલાના સાહસ અને શક્તિનું જીવંત ઉદાહરણ છે. કચ્છના માંડવી તાલુકાના ફરહાદી ગામની ચેતના ગાલા મુંબઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલનથી પ્રેરિત થઇને ગામમાં જઇને સમાજસેવા કરવાનો વિચાર કરી રહી હતી ચેતના. આ વિચાર અંતર્ગત જ ચેતના ૧૯૮૫-૮૬માં સમાજસેવા કરવાના આશયથી દુકાળપીડિત માણ તાલુકામાં પહોંચી. દુષ્કાળગ્રસ્ત માણ તાલુકામાં સમાજસેવા અર્થે પહોંચેલી ચેતનાની મુલાકાત આ તાલુકાના વિજય સિંહા નામની વ્યક્તિ સાથે થઇ.

માણ તાલુકામાં સામાજિક સેવા સાથે જોડાયેલા વિજય સાથે ચેતના લગ્નગ્રંથિથી જોડાયાં અને માણ તાલુકાના મ્હસવડ ગામમાં આવીને વસ્યાં. મ્હસવડમાં સુવિધાઓ અને વ્યવસ્થાનો સદંતર અભાવ. બસ માટે ચાર-ચાર કલાક સુધી રાહ જોવી પડતી, પાણી, વીજળી જેવી મૂળભૂત સમસ્યાઓનો સદંતર અભાવ, શૌચાલયની વ્યવસ્થાનો અભાવ વગેરે સમસ્યાઓને કારણે ચેતનાના મનમાં સતત આક્રોશ રહેતો. પછી વિચારતી કે દરેક ગામડાંમાં આ જ તો સ્થિતિ છે. કોઇક ને કોઇક ગામમાં જઇને તો સામાજિક સેવાનું કાર્ય કરવું છે તો મ્હસવડમાં જ શા માટે ન કરવું. ચેતનાએ દૃઢ નિર્ધાર કરી લીધો. આખરે તેનું ધ્યાન ગ્રામીણ મહિલાઓની સમસ્યાનાં મૂળ પર પડ્યું. મૂળ હતું – ગરીબી. ગરીબી દૂર કરવા માટે બચત જરૂરી છે. બચતની વાત તો દૂર રહી મ્હસવડની મહિલાઓ બે ટંકના ભોજન માટે પણ વલખાં મારતી. દિવસનું કમાવવાનું અને દિવસનું વાપરવાનું આ સ્થિતિમાં તેઓ ગુજરાન ચલાવતી હતી.

મહિલાઓ બચત તો કરવા ઇચ્છતી હતી પરંતુ એક-બે રૂપિયાની બચત કરતી મહિલાઓનું બેન્કમાં ખાતું પણ કેવી રીતે ખૂલે? ચેતના બેન્કમાં એકાઉન્ટ નહીં ખોલાવી શકવાને કારણે નિરાશ ચોક્કસ થઇ પરંતુ તેણે હિંમત ન હારી. ચેતના અને ગ્રામીણ મહિલાઓએ પોતાની બેન્ક ખોલવાનો નિર્ણય કર્યો. ચેતના પોતાની સાથી મહિલાઓ સાથે લાઇસન્સ લેવા માટે રિઝર્વ બેન્ક પહોંચી. રિઝર્વ બેન્કે લાઇસન્સ આપવાની ના પાડી દીધી. કારણ હતું નિરક્ષરતા. નિરક્ષર મહિલાઓ બેન્ક કેવી રીતે ચલાવે. હવે ચેતના ગાલા નિરાશ થઇ ગઇ. ચેતનાને નકારમાં જવાબ સાંભળવાની આદત નહોતી પણ ગ્રામીણ મહિલાઓ નિરક્ષરતાની વાતથી ટેવાઇ ગઇ હતી. તેમ છતાં આ મહિલાઓએ વધુ એક કદમ ઉઠાવ્યું. મહિલાઓએ વિચાર્યું કે નિરક્ષરતાની સમસ્યા તેમના જીવનમાં બાધક બની રહી છે તો આ સમસ્યાને જ દૂર કરી દઇએ અને મહિલાઓએ અક્ષરજ્ઞાન લેવાની શરૂઆત કરી.

છ મહિના પછી ફરી ચેતના ગ્રામીણ મહિલા સાથે રિઝર્વ બેન્ક પહોંચી. પણ ફરીથી અધિકારીઓનો એ જ જવાબ. આખરે મહિલાઓએ અધિકારીઓને કેલ્ક્યુલેટર લઇને બેસવાનું કહ્યું. કોઇ પણ હિસાબ કરાવવાનું કહ્યું. ગ્રામીણ મહિલા અને વિરુદ્ધ બેન્કના અધિકારીઓ વચ્ચે પહેલાં કોણ હિસાબ કરી આપે છે તેની સ્પર્ધા થઇ. આ સ્પર્ધામાં ગ્રામીણ મહિલાઓએ બાજી મારી લીધી. આખરે રિઝર્વ બેન્કે લાઇસન્સ આપવું પડ્યું. વર્ષ ૧૯૯૭માં ગ્રામીણ મહિલાઓ દ્વારા ગ્રામીણ મહિલાઓ માટેની મ્હસવડ બેન્ક શરૂ થઇ. આ બેન્ક વીસ વર્ષથી કાર્યરત છે અને ગ્રામીણ મહિલાઓ સફળતાપૂર્વક તેનું સંચાલન કરી રહી છે.

ચેતનાએ ‘અભિયાન’ને કહ્યું કે બેન્ક શરૂ કરવાનું કામ પાર પડ્યું એ આગાઝ હતો. બેન્કનું વ્યવસ્થિત સંચાલન કરવું અને તેનાં માધ્યમથી ગ્રામીણ મહિલાઓના જીવનમાં ઉત્કર્ષ કરવો. માણ તાલુકો ખેતીપ્રધાન છે પરંતુ મોટાભાગે અહીં દુકાળની જ સમસ્યા હોય એટલે ગ્રામીણ મહિલાઓ બીજા કોઇ વ્યવસાય સાથે જોડાય તે પણ જરૂરી હતું. આ માટે મહિલાઓને લોન આપવાનું શરૂ કર્યું. ગ્રામીણ મહિલાઓ વ્યસ્ત હોઈ બેન્કમાં હપ્તા ભરવા નહોતી આવી શકતી. આખરે બેન્કે જ મહિલાઓ પાસે જવાનું શરૂ કર્યું. બીજી સમસ્યા હતી ગ્રામીણ મહિલાઓને વ્યાવસાયિક પ્રશિક્ષણની. ફાઉન્ડેશને મોબાઇલસેવા શરૂ કરી. મોબાઇલ બસ ગામડે-ગામડે જઈ મહિલાઓને પ્રશિક્ષિત કરતી. બસમાં દરજીકામથી લઇને કમ્પ્યૂટર સુધીના દરેક કૌશલ્યનું શિક્ષણ અપાતું. આ સાથે જ યશવંતરાય ચૌહાણ ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર શરૂ કરાયું. આ કેન્દ્રમાંથી ૨૩ મહિલાઓએ પોતાનો ડિગ્રી કોર્સ પૂરો કર્યો અને ૧૩ મહિલાઓએ બી.એ.ની ડિગ્રી હાંસલ કરી. આશરે ૧૦૦ કન્યાઓને સાઇકલ અપાઈ, જેથી તેઓ નિયમિત રીતે શાળા-કૉલેજ જઇ શકે.

માણ નદી પર બંધ બાંધવો, સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ બનાવવું, માણદેશી તરંગવાહિની નામનો કમ્યુનિટી રેડિયો શરૂ કરવો જેવાં સામાજિક કાર્યોના માધ્યમથી ચેતના અને માણદેશી ફાઉન્ડેશને વિકાસ અને પ્રગતિના વિવિધ અવસરો પૂરા પાડવાનું ભગીરથ કાર્ય કર્યું. દોઢ લાખ મહિલાઓએ ફાઉન્ડેશનની મદદથી વિવિધ ગૃહ અને લઘુ ઉદ્યોગોની શરૂઆત કરી છે.

ચેતનાનું કાર્યક્ષેત્ર ભલે વિસ્તરી ચૂક્યું હોય પરંતુ તેમનું મન અને જીવનનાં મૂળિયાં કચ્છ સાથે જોડાયેલાં છે. ચેતના પોતાના દીકરાઓ સાથે કચ્છી ભાષામાં વાત કરે છે, પતિ સાથે હિન્દીમાં અને કોર્પોરેટ ડેલિગેટ્સ સાથે અંગ્રેજીમાં તો ગ્રામીણ મહિલાઓ સાથે મરાઠીમાં. તેમનું કામ આ ભાષાના સીમાડા ઓળંગીને રાષ્ટ્રીય સ્તરે ગુંજતું થયું છે અને આ કામ જ ચેતનાની ઓળખ બન્યું છે.

You might also like