ડોન્ટ ડિસ્ટર્બઃ સિક્યોરિટી ગાર્ડ્સ સૂતા છે!

અમદાવાદ: અમદાવાદના ‌રિવરફ્રન્ટ પર લોકોની સુરક્ષા માટે તથા ગુનાઇત કૃત્યને રોક્વા માટે મૂકવામાં આવેલી સિક્યો‌રિટી મૃતપાય અવસ્થામાં જોવા મળી છે. સમભાવ મેટ્રોના પ્રતિનિધિએ ‌રિવરફ્રન્ટની સુરક્ષાને લઈને સ્થળ તપાસ કરાતાં સુરક્ષાના નામે મીડું જોવા મળ્યું છે. મોડી રાત્રે તમામ સિક્યો‌રિટી ગાર્ડ્સ સુરક્ષા કરવાની જગ્યાએ મીઠી નિંદર લેતા કેમેરામાં કેદ થયા છે.

સામાન્ય રીતે મોડી રાતના સમયે ‌રિવરફ્રન્ટ પર ખાસ કોઈ આવતું નથી ત્યારે શહેરનાં કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા ‌રિવરફ્રન્ટ ખાતે દારૂની મહેફિલ માંંડવામાં આવતી હોય છે, જ્યારે દોઢ વર્ષ અગાઉ ‌રિવરફ્રન્ટ ખાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી, આટલું જ નહીં એક વર્ષ અગાઉ યુવતી પર બળાત્કાર થયો હોવાની દુર્ઘટના પણ સામે આવી હતી, જેથી ‌રિવરફ્રન્ટ ખાતે આવી કોઈ બીજી દુર્ઘટના ના બને તે માટે કોર્પોરેશન દ્વારા સિક્યો‌રિટી ગાર્ડ મૂકવામાં આવે છે. આ ગાર્ડની શિફટનો સમય અલગ અલગ હોય છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને 23 કિ.મી.ના ‌રિવરફ્રન્ટ પર કુલ 150 સિક્યો‌રિટી ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે. આ ગાર્ડ્સને ‌રિવરફ્રન્ટ ખાતે આવેલા પાર્ક, વોક-વે તેમજ ઇવેન્ટ ગ્રાઉન્ડ પર તહેનાત રાખવામાં આવતા હોય છે.

સાબરમતી ‌રિવરફ્રન્ટ પર નાગ‌રિકો પોતાના પરિવાર સાથે આવી બેસી શકે અને તેમના પરિવાર સાથે ‌રિવરફ્રન્ટ પાર્ક, બોટિંગ, ઝીપલાઈન રાઈડનો આનંદ લેતા હોય છે. સવાર અને સાંજના સમયે લોકો ‌રિવરફ્રન્ટ પર ચાલી શકે તે માટે વોક-વે પણ બનાવવામાં આવ્યો છે. વોક-વે અને ‌રિવરફ્રન્ટમાં લોકો પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહે તે માટે સિક્યો‌રિટી ગાર્ડ તહેનાત રાખવામાં આવ્યા છે. સાથેસાથે શહેરમાં આવેલા સાતમાંથી એક પણ ‌િબ્રજ પરથી કોઈ વ્યક્તિ પડતું મૂકે અને તેને બચાવવા માટે ફાયર રેસ્ક્યૂ ટીમને જાણ કરવા માટે આ ગાર્ડને મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ‌સિક્ય‌ો‌રિટી એજન્સીને ‌રિવરફ્રન્ટ વોક- વે પર ગાર્ડ મૂકવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ ગાર્ડ મૂકવામાં આવ્યા છે. ‌રિવરફ્રન્ટ વોક-વે પર આશરે 20 જેટલા ગાર્ડ રાતના સમયે મૂકવામાં આવે છે, પરંતુ આ ગાર્ડ ક્યાં તો હાજર નથી હોતા અને હાજર હોય તો તેઓ સૂતા હોય છે, ક્યાં તો કોઈ કારણ અંગે એન્ટ્રી કરી પોતાના કામથી બહાર જતા રહેતા હોય છે.

‌રિવરફ્રન્ટ પર રાતના સમયે અસામાજિક તત્ત્વોનો ત્રાસ પણ રહેતો હોય છે, સાથે ઘણીવાર રાતના સમયે ‌બ્રિજ પડતું મૂકવામાં આવે છે. આટલું જ નહીં ‌રિવરફ્રન્ટ પર રાતના સમયે કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માંડવામાં આવતી હોય છે. આ બધા પર નજર રાખવા માટે કોર્પોરેશન દ્વારા સિક્યો‌રિટી ગાર્ડ તહેનાત રાખવામાં આવતા હોય છે, પરંતુ ફોટા પરથી એવું લાગે છે કે આ ગાર્ડ ‌રિવરફ્રન્ટ પર ફક્ત આરામ ફરમાવવા આવતા હોય.

આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું કે ‌રિવરફ્રન્ટ પાર્ક, વોક-વે ઇવેન્ટ ગ્રાઉન્ડ મળીને કુલ 150 જેટલા સિક્યો‌રિટી મૂકવામાં આવ્યા છે, જેમાં દરેક અલગ-અલગ શિફ્ટમાં આવતા હોય છે. રાતના સમયે ઓછો સિક્યો‌રિટી ફોર્સ મૂકવામાં આવે છે. રાતના સમયે પણ હવે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને તે સમયે જે કોઈ ગાર્ડ સૂતા પકડાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

You might also like