અેબોર્શન કરાવનારી મહિલાઓને સજા મળવી જોઈએઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વિસ્કોન્સિન: અમેરિકી રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી રેસમાં સૌથી આગળ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે એબોર્શન માટે કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ હોવી જોઈએ, જોકે તેમણે આ અંગે કંઈ જ કહ્યું નથી કે સજા કેવી હોવી જોઈએ.

વિસ્કોન્સિનમાં આગામી સપ્તાહે યોજાનાર પ્રાઈમરી પહેલાં એમએસએનબીસીના ક્રિસ મેથ્યુઝ સાથે એક ગરમાગરમ ચર્ચામાં ગઈ કાલે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. એબોર્શન પર પ્રતિબંધ મુકાવો જોઈએ કે નહીં? આ મુદ્દે ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તે માટે સજાની જોગવાઈ હોવી જોઈએ. જ્યારે મેથ્યુઝે પૂછ્યું કે સજા કેવા પ્રકારની હોવી જોઈએ તો ટ્રમ્પે પ્રતિક્રિયા આપી કે મેં હજુ એ અંગે વિચાર્યું નથી કે સજા કેવી હોવી જોઈએ.

સાથે ટ્રમ્પે કહ્યું કે મહિલાઓ એબોર્શન કરાવી શકે છે, પરંતુ માત્ર ગેરકાયદે જગ્યાઓ પર જ. ટ્રમ્પના આ નિવેદનનો ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે સૌથી આગળ એવાં હિલેરી કિલન્ટને વિરોધ કર્યો. તેમણે આ વાતને ડરામણી કહી. હિલેરી ‌િટ્વટર પર લખ્યું કે, ‘હવે તમને લાગે છે કે આનાથી વધુ ખરાબ ન થઈ શકે, ડરામણું અને સ્પષ્ટ.’

ટ્રમ્પ પહેલાં પણ કહી ચૂક્યા છે કે તે ત્રણ અપવાદોને છોડીને એબોર્શનની વિરુદ્ધ છે. તેમના માટે આ ત્રણ અપવાદ છે-રેપ, ઈન્સેસ્ટ અને એવી સ્થિતિ, જેમાં માતાની જિંદગી ખતરામાં હોય. ટ્રમ્પે મેથ્યુઝ સાથે ચર્ચા બાદ વધુ એક કાર્યક્રમમાં પોતાના એબોર્શનવાળા નિવેદનને દોહરાવ્યું અને કહ્યું કે આ મુદ્દાને લઈને તેમના વિચારોમાં ફરક પડ્યો નથી.

You might also like