હોમ સ્ટેટ ન્યૂયોર્કમાં ટ્રમ્પ જીતતાં હવે પ્રમુખપદના ઉમેદવાર તરીકે નિશ્ચિત

ન્યૂયોર્ક: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ વતી આગળ વધી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં સરળ જીત હાંસલ કરી છે. આ જીત બાદ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર માટે જરૂરી ડેલિગેટના આંકડાની લગભગ નજીક પહોંચી ગયા છે. માહિતગાર લોકોના જણાવ્યા પ્રમાણે હવે ટ્રમ્પને રિપબ્લિકન પક્ષ તરીકે રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ટિકિટ મળી શકે છે.

ન્યૂયોર્ક ડોનાલ્ડ ટ્રમ્પનું હોમ સ્ટેટ છે. અહીં તેમનો વિજય થતાં હવે તેઓ ઘણા આગળ નીકળી ગયા છે. રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર માટે ૧ર૩૭ ડેલિગેટની જરૂર હોય છે. ડોનાલ્ડ ટ્રમ હવે તેની નજીક પહોંચી ગયા છે. ડેમોક્રેટસ વતી હિલેરી ક્લિન્ટનનો પણ ન્યૂયોર્કમાં વિજય થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હિલેરી ક્લિન્ટન ન્યૂયોર્કના સેનેટર રહી ચૂકયા છે. હિલેરીએ બર્ની સેન્ડર્સને હાર આપી હતી. ન્યૂયોર્કમાં ટ્રમ્પ, હિલેરીના વિજયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. બંને ઉમેદવાર પોતપોતાના પક્ષમાં રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની દોડમાં આગળ ચાલી રહ્યા છે.

હિલેરી અને ટ્રમ્પ વચ્ચે આ આખરી જંગ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ પણ કહી ચૂકયા છે કે તેમની અને હિલેરી વચ્ચે આખરી જંગ ખેલાશે. જોકે હજુ બંનેએ નોર્ધન સ્ટેટના પ્રાઇમરી ઇલેકશનમાં ભાગ લેવાનો બાકી છે. ટ્રમ્પ પાસે ૬૦ ટકા વોટ હતા. જેમાંથી ૪૦ ટકાની સત્તાવાર રીતે ગણતરી થઇ ચૂકી છે. ટ્રમ્પ પોતાના સાથી રિપબ્લિકન ટેડ ક્રૂઝ અને જોન કેસીચને હરાવી ચૂકયા છે. એવી પણ શકયતા છે કે ટ્રમ્પ તમામ અથવા વધુ સ્ટેટના ડેલિગેટ જીતી શકે છે. આ બધી બાબતો જોતાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી થવાની શકયતા હવે સુનિશ્ચિત જણાય છે.

You might also like